- હોસ્ટેલ ગ્રાઉન ઉપર રવિવારે સાંજે MY Liveable BHARHCH હેઠળ કાર્યકમ
- જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી 150 મીટર રોડ ખોદીને ટેકરા કર્યા હોય કઈ રીતે સાર્થક થશે
- પાંચબત્તીથી સેવાશ્રમ રોડ ઉપર પાણી ભરાવવાની સમસ્યા નિવારવા RCC રોડને પેવર બ્લોકમાં તબદીલ કરાયો
- 900 મીટરમાં ₹2.95 કરોડના ખર્ચે બનનાર સૌથી મોંઘા માર્ગમાં એક મહિનાથી ખોદકામ અને માટીના ઢગને લઈ નગરજનો ત્રસ્ત
વિકાસની ફોર્મ્યુલા અને વાતો પાંચબત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ સુધીના સૌથી મોંઘા નિર્માણ પામનાર માર્ગ ઉપર પોકળ સાબિત થઈ રહી હોવાનું ભરૂચના શહેરીજનોને લાગી રહ્યું છે.ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર વર્ષો જૂની વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી ભરૂચના દુકાનદારો, વાહન ચાલકો અને નગરજનો છુટકારો અપાવવા 3 કરોડના ખર્ચે 900 મીટરનો માર્ગ હેવી પેવર બ્લોકનો બનાવવા 23 ડિસેમ્બરે કામગીરીનો ભરૂચના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત ભાજપ શાસકોએ નારિયેળ ફોડી આરંભ કરાવ્યો હતો.શહેરીજનોને તકલીફ ભોગવવી ન પડે તે માટે અગાઉ RCC નો મંજુર કરાયેલો રસ્તો હેવી પેવર બ્લોકમાં તબદીલ કરાયો હતો. જેથી ઓછા સમયમાં કામગીરી પૂર્ણ થાય તેવું ખુદ શાસકોએ કહ્યું હતું.આજે સેવાશ્રમ રોડ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલને અડી 150 મીટરથી વધારે પાઇપલાઇન નાખવા કરાયેલ ખોદકામને એક મહિનો વીતી ગયો છે.

સાંકડો રસ્તો ખોદકામ અને માટીના ઢગથી વધુ સાંકડો થઈ જતા લોકો ઊડતી ધૂળ વચ્ચે ખાડાઓ અને ટ્રાફિકજામમાંથી પસાર થઈ રહ્યા છે.એક મહિનાથી આ કામગીરી વચ્ચે જિલ્લા કલેકટરનું માય લિવેબલ ભરૂચનું સ્વપ્ન પણ રોળાઈ રહ્યું છે. આજે રવિવારે રાતે માય લિવેબલ ભરૂચ હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જાહેર કાર્યકમ છે. તો 26 મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી પણ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થવાની છે. ત્યારે હાર્દસમો આ મુખ્યમાર્ગ છેલ્લા એક મહિનાથી ખોડેલાં ખાડા અને માટીના ઢગ વચ્ચે નગરજનોને અવરોધી રહ્યો છે.




