જુનાગઢ
આગામી 16 ઓક્ટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય નિયમિત રીતે શરૂ થઇ જશે. 16 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી પ્રવાસીઓ નિયમિત સાસણ ગીર અભ્યારણ્યની મુલાકાત લઇ શકશે.ચોમાસાની સિઝન દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું છે. વિરામ બાદ ફરી એકવાર સાસણ ગીર અભ્યારણ્ય શરૂ થવા જઇ રહ્યું છે
ગીર અભ્યારણ્યના ટુરીસ્ટ રૂટનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે અત્યારથી જ સિંહ દર્શનની પરમીટનું બુકિંગ શરૂ થઇ ગયું છે, ત્યારે પ્રવાસીઓના ધસારાને જોતા ઓનલાઇન પરમીટની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીર વિશ્વભરમાં એશિયાટીક સિંહ માટે જાણીતુ છે. અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ વનરાજને જંગલમાં વિચરતા જોવાનો લ્હાવો લેવા આવે છે, વળી વરસાદ બાદ તો ગીર જંગલનું કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠે છે.




