Published by : Vanshika Gor
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવરસિટીના વિવાદોમાં ઘેરાયેલા રહેતા વાઇસ ચાન્સેલરે નવો ફતવો જાહેર કર્યો છે. જેથી વધુ એક વાર વિવાદ નો મધપૂડો છંછેડાયો છે. વાઇસ ચાન્સેલરના નવા નિયમ મુજબ દરેક કમિટીએ રિપોર્ટ તૈયાર કરતા પહેલા ડ્રાફ્ટ વાઇસ ચાન્સેલરને બતાવવો પડશે. જો કે આ નિયમનો હાલ સેનેટ સભ્યોમાં પણ વિરોધ જોવા મળ્યો છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવરસિટી મહિલા પ્રાધ્યાપકોની અને વિદ્યાર્થીનીઓની છેડતી, મારામારી, નમાઝ જેવા અનેક મુદ્દાઓ પર કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં દોષિતોને સસ્પેન્ડ કરવા સુધીના અહેવાલ રજુ કરાયા હતા, પરંતુ આ તમામ રિપોર્ટ પણ અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યા હતા. તેના પગલે પણ નારાજગી જોવા મળી હતી ત્યારે આ નવા નિયમથી પણ આંતરિક નારાજગી જોવા મળી રહી છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેનો વિરોધ જોવા મળી રહ્યો છે. યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે દરેક કમિટીએ કોઈ પણ રિપોર્ટ તૈયાર કરતા પહેલા તેનો ડ્રાફ્ટ વાઇસ ચાન્સેલરને આપવાનો રહેશે. તેઓ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ તેનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. જેના પગલે સેનેટ સભ્યોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.




