Published by : Anu Shukla
- આગામી સોમવારે પીએમ મોદી બેંગ્લોરમાં E20 લોન્ચ કરવા જઈ રહ્યા છે
- જો સરળ શબ્દોમાં સમજીએ તો આ E20 પેટ્રોલનો જ એક એવો પ્રકાર છે જેમાં 20 ટકા ઈથેનોલ મિશ્ર કરવામાં આવે છે
આગામી સોમવારે પીએમ મોદી બેંગ્લોરમાં E20 લોન્ચ કરવા જઈ રહ્યા છે. જો સરળ શબ્દોમાં સમજીએ તો આ E20 પેટ્રોલનો જ એક એવો પ્રકાર છે જેમાં 20 ટકા ઈથેનોલ મિશ્ર કરવામાં આવે છે. E20ને બ્લેન્ડેડ પેટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઈન્ડિયા એનર્જી વીક કોન્ફરન્સ દરમિયાન લોન્ચ કરશે
જો સામાન્ય પેટ્રોલના સ્થાને આ પ્રકારના પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવશે તો મુખ્યત્વે બે ફાયદા થઈ શકે છે. સૌથી પહેલા તો વિદેશોથી કરવામાં આવતી મસમોટી આયાતમાં ઘટાડો થઈ જશે અને સૌથી મોટો ફાયદો પ્રદૂષણમાં પણ મોટાપાયે ઘટાડો નોંધાશે. ઈન્ડિયા એનર્જી વીક કોન્ફરન્સ દરમિયાન નોઝલ દબાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈંધણને લોન્ચ કરવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કે દેશના વિવિધ રાજ્યોમાં અત્યારે પ્રાથમિક ધોરણે લગભગ 67 પેટ્રોલ પમ્પ પર E20નું વેચાણ શરુ કરવામાં આવશે.
પીએમ મોદીના નેતૃત્વ હેઠળ આ સરકાર ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને પ્રાથમિકતા આપે છે
અગાઉ 2014માં 1.4 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ સાથે શરુઆત કરી હતી. નવેમ્બર 2022 સુધીમાં આ મિશ્રણ વધીને 10 ટકા સુધી પહોંચી ગયુ હતું. પહેલા એવી યોજના હતી કે વર્ષ 2030 સુધીમાં 20 ટકા બ્લેન્ડિંગ કરવામાં આવશે, પરંતુ તેમાં સુધારો કરીને 2025 અને હવે 2023નો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સરકાર ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને પ્રાથમિકતા આપે છે તેમજ પર્યાવરણ પ્રત્યે પણ પ્રતિબધ્ધ છે. આ પ્રતિબદ્ધતા અને સંકલ્પના ભાગરુપે એથોનેલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને ગતિ આપવામાં આવી છે. આટલુ જ નહીં, ઉર્જા ક્ષેત્રે અન્ય મહત્વકાંક્ષી પહેલ પર કામ ચાલી રહ્યું છે.