દેશમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે ત્યારે મોટાભાગના લોકો રોયલ એનફિલ્ડ તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ક્યારે લૉન્ચ કરશે તેની રાહ જોઈ રહ્યા છે. રોયલ એનફિલ્ડનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન આકાર લેવાનું શરૂ કરી દીધું છે અને હવે તેની પ્રથમ તસવીરો પણ ઇન્ટરનેટ પર મૂકવામાં આવી છે. અહેવાલ મુજબ, રોયલ એનફિલ્ડની આ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકનું નામ ‘Electrik01’ રાખવામાં આવ્યું છે હાલમાં કંપની જેને ક્વોલિટી ફંક્શન ડેવલપમેન્ટ (QFD) કહે છે તેના પ્રારંભિક તબક્કામાં છે. કંપનીએ આ બાઇકમાં ગર્ડર સસ્પેન્શનનો ઉપયોગ કર્યો છે. જોકે તસવીરમાં બાઈકનો થોડો ભાગ જ દેખાઈ રહ્યો છે, પરંતુ મોટરસાઈકલ એકદમ આકર્ષક લાગી રહી છે.
ઓટોકારના એક રિપોર્ટમાં રોયલ એનફિલ્ડની બાઇકની તસવીર જાહેર કરવામાં આવી છે. જો કે રોયલ એનફિલ્ડે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. અગાઉ, રોયલ એનફિલ્ડે સંકેત આપ્યો હતો કે કંપની ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી શકે છે. હાલમાં, કંપની ભારતીય બજારમાં તેના વાહન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.