લંડનમાં એક કોફી શોપમાં પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબને ત્યાં વસતા પાકિસ્તાનીઓએ ઘેરી લીધા હતા. આ અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનમાં થયેલ પૂરની તબાહી વચ્ચે પાકિસ્તાનના સૂચના મંત્રીના વિદેશ પ્રવાસ પર લોકો તેઓની ટીકા કરી રહ્યા છે. તેઓએ મરિયમનો પીછો કરી રસ્તાઓ પર ‘ચોરની-ચોરની’ના નારા પણ લગાવ્યા હતા. જો કે, આ સમયે મરિયમે સંયમથી કામ લીધું હતું અને કોઈ પ્રતિક્રિયા આપી. નહોતી. તેમણે પોતાની જાતને મોબાઈલ ફોનમાં વ્યસ્ત રાખી હતી.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ લંડનના એક કોફી શોપમાં મરિયમ ઔરંગઝેબને હેરાન કરી હતી. આ વાયરલ થયેલા વીડિયોનો જવાબ આપતા મરિયમ ઔરંગઝેબે જણાવ્યું હતું કે, તે આ જોઈને ખૂબ જ દુ:ખી છે કે, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની નફરત અને વિભાજનના રાજકારણે તેઓના ભાઈઓ અને બહેનોને ઘણા પ્રભાવિત કર્યા છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, તે ત્યાં રોકાઈ હતી અને રોષે ભરાયેલ ભીડના દરેક સવાલના જવાબ આપ્યા હતા.
પાકિસ્તાનના નાણામંત્રી અને સંરક્ષણ મંત્રીએ આ વાત પર મરિયમનો બચાવ કર્યો હતો. પરિસ્થિતિને સંયમ રાખીને સંભાળવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી. તો બીજી તરફ યોજના મંત્રી અહેસાન ઈકબાલે આ ઘટનાને શરમજનક કૃત્ય ગણાવ્યું હતું.