Published by : Anu Shukla
ભરૂચના કસક અને મકતમપુરમાં આવેલી ચાર દુકાનમાં પ્યુમા કંપનીના ડુપ્લીકેટ ટી શર્ટ, ટ્રેક સહિત રૂપિયા 1.62 લાખના ગારમેન્ટસ વેંચતા 4 વેપારી સામે ગુનો દાખલ કરાયો.
ભરૂચ શહેરની દુકાનોમાં પ્યુમા કંપનીનો લોગો, પેકેજીંગનો વપરાશ કરી નકલી ગારમેન્ટસ વેચવામાં આવતા હોવાની હકીકત ફિલ્ડ ઓફિસરને મળી હતી. અજમેર રહેતા અને ગુડગાવમાં પ્યુમાના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા હેમંત બરડીયાએ વડોદરાના બે કર્મચારીને સાથે રાખી ભરૂચમાં ધામાં નાખ્યા હતા.શહેર સી ડિવિઝન પોલીસને સાથે રાખી હાથ ધરાયેલી તપાસમાં કસક અને મકતમપુરની ટી કલેક્શન, ડીકે ફેશન, ઇશી સ્પોર્ટ્સ અને પેજ 3 દુકાનમાં તપાસમાં પ્યુમા કંપનીના ડુપ્લીકેટ 350 ટ્રેક, 99 ટી શર્ટ, 17 અન્ય ગારમેન્ટ્સ મળી આવ્યા હતા.પ્યુમાના ડુપ્લીકેટ કપડાં વેચવા બદલ કુલ રૂપિયા 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ચાર વેપારી ઇર્ષાદ પટેલ, સુહેલ પટેલ, કનૈયા ઠાકુર અને તરુણ મિસ્ત્રી સામે ફરિયાદ દાખલ કરી છે.