Published by : Anu Shukla
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા ‘કાફિલા’ નામના સાંસ્કૃતિક મીડિયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિ- દિવસીય ફેસ્ટિવલમાં અનેક પ્રકારની સ્પર્ધા અને વર્કશોપ આયોજિત કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) વિજય કુમાર શ્રીવાસ્તવ મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ટાઈગર એડવર્ટાઇઝિંગના સીઈઓ પંતુલ કોઠારી અને અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ ખાસ ઉપસ્થિત રહી ફેસ્ટિવલની શરૂઆત કરાવી હતી.
‘કાફિલા’ સમગ્ર ગુજરાતમાં અગ્રગણ્ય મીડિયા ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. કોવિડના બે વર્ષ દરમિયાન આયોજિત ન થઈ શક્યા આ મીડિયા ફેસ્ટિવલ માટે આ વર્ષે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ ઉપરાંત ‘કાફિલા’ વર્કશોપ દ્વારા જ્ઞાન સત્રો પણ યોજાયેલા છે.
જેમાં 800 થી વધુ લોકોએ ભાગ લીધો છે. ફક્ત એમ.એસ.યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ નહીં, પરંતુ વડોદરા શહેરની તમામ યુનિવર્સિટી તથા અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી પણ વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે.
આ ફેસ્ટિવલમાં ક્રિએટિવ રાઈટિંગ, સિનેમા ક્વિઝ, ડિબેટ, ડાન્સ, સિંગિંગ, ટ્રેઝર હન્ટ, ડોલિંગ, બિઝનેસ આઈડિયા માર્કેટિંગ અને ઓનલાઇન મોબાઈલ ગેમિંગની સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી છે. તથા મીડિયા નિષ્ણાતો વર્કશોપ દ્વારા મીડિયાના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપશે.




