સોમાલિયાની સેનાએ સેન્ટ્રલ શબેલે ક્ષેત્રમાં હવાઈ હુમલો કરીને આતંકવાદી સંગઠન અલ-શબાબના 100 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં 12 કમાન્ડર હતા. અલ-શબાબનો ઉદ્દેશ્ય 2017માં રચાયેલી સોમાલિયા સરકારને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. આ સંગઠને છેલ્લા 4 મહિનામાં 3 મોટા હુમલા કર્યા છે.
મંત્રી અલ-અદાલાએ કહ્યું- અમને સમાચાર મળ્યા હતા કે આ આતંકવાદીઓ સરકારી અધિકારીઓ અને સેના પર મોટો હુમલો કરવાના છે. તેની તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. આ હુમલાને રોકવા માટે અમે હવાઈ હુમલો કર્યો હતો. શબેલે નજીકના મહાસ જિલ્લાના કમિશનર મુમીન મોહમ્મદ હાલાને કહ્યું- મેં 16 આતંકવાદીઓના મૃતદેહો જોયા છે. સેનાએ તેમની પાસેથી ઘણા હથિયારો જપ્ત કર્યા છે.
સોમાલિયાના ડેપ્યુટી ઈન્ફોર્મેશન મિનિસ્ટર અબ્દિરહમાન યુસુફ અલ-અદાલાએ કહ્યું- અમારી સેના અને ઈન્ટેલિજન્સ વિભાગ લોકોની સુરક્ષા માટે દરેક પગલા લઈ રહ્યા છે. શેબેલે ક્ષેત્રમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં અલ-શબાબના 12 કમાન્ડર સહિત 100 આતંકવાદીઓ માર્યા ગયા છે.




