યુવા બેટર ઋતુરાજ ગાયકવાડે સોમવારે ઈતિહાસ રચ્યો છે. ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમતા ઉત્તર પ્રદેશ વિરુદ્ધ એક ઓવરમાં સાત છગ્ગા ફટકાર્યા છે. વન-ડે ક્રિકેટમાં આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. ગાયકવાડે આ કારનામું મહારાષ્ટ્રની ઈનિંગની 49મી ઓવરમાં કર્યું હતું. શિવા સિંહની આ ઓવરમાં એક બોલનો બોલ હતો. આમ આ ઓવર સાત બોલની થઈ હતી અને ગાયકવાડે દરેક બોલે છગ્ગો ફટકાર્યો હતો. તે ઓવરમાં કુલ 43 રન આવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 159 બોલમાં 220 રન માર્યા. જેમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રનો સ્કોર 330/5 હતો
ગાયકવાડની આ ઇનિંગને કારણે મહારાષ્ટ્રે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા હતા. ગાયકવાડે આ ઇનિંગમાં ઓપનિંગ કરી હતી. તેના સિવાય મહારાષ્ટ્રનો અન્ય કોઈ બેટર અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. અંકિત બાવને અને અઝીમ કાઝીએ 37-37 રનની ઇનિંગ રમી હતી. ઉત્તર પ્રદેશ તરફથી ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ 66 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
UP ટીમમાં IPL રમી ચૂકેલા 4 બોલર
ગાયકવાડે નબળી બોલિંગ સામે રન ફટકાર્યા એવું પણ નથી. આ મેચમાં રમનારી યુપીની ટીમમાં આઈપીએલ રમી ચૂકેલા ચાર બોલર હાજર હતા. જેમાં અંકિત રાજપૂત, શિવમ માવી, કાર્તિક ત્યાગી અને કરણ શર્માનો સમાવેશ થાય છે.




