Published By : Disha PJB
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. મંગળવારે ભાજપે પંજાબ, તેલંગાણા અને ઝારખંડ સહિત ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ સંગઠનમાં આ ફેરફાર ભાજપની રાજ્યવાર રણનીતિનો સંકેત છે. આ વચ્ચે હવે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વધુ 6 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહી છે.
સૌથી વધારે ચર્ચા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલની છે, જેઓ લોકસભાના સાંસદ પણ છે. તેથી ટેકનિકલી તેમને મોદી સરકારમાં એન્ટ્રી આપવી સરળ બનશે. સી.આર પાટીલ 2014માં નવસારી બેઠક પરથી જત્યા હતા. ત્યારબાદ 2019માં તેમણે કોંગ્રેસના ઉમેદવારને 6 લાખ મતોના રેકોર્ડ માર્જિનથી હરાવ્યા હતા.
પાટીલ ઉપરાંત મધ્ય પ્રદેશના અધ્યક્ષ વી.ડી શર્મા પણ કેન્દ્રીય મંત્રી બની શકે છે. તેઓ રાજ્યની ખજુરાહો લોકસભા બેઠક પરથી સાંસદ છે. વી.ડી શર્માને મધ્ય પ્રદેશથી દિલ્હી લાવવાનો નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. પરંતુ ઉત્તરાધિકારી અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આથી પ્રદેશ પ્રમુખ બદલવાની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.
સામાન્ય રીતે તમામ ઝોનને સાચવી લેવા માટે જ્યારે મુખ્યમંત્રી અન્ય પ્રાંતના હોય ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સૌરાષ્ટ્રના હોય છે. હાલ સૌરાષ્ટ્ર પાસે સરકાર કે સંગઠનમાં ટોચનું સ્થાન ન હોય નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રમાંથી કોઇ નેતાની નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણની વાતો પણ ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપના સંગઠન માળખાને મજબૂત કરવા માટે ત્રણ વર્ષમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેનાર સી.આર.પાટીલને કેન્દ્રમાં મંત્રી પદ આપવામાં આવે તેવી સંભાવના પણ જણાઇ રહી છે. ગુજરાત સહિત અલગ-અલગ પાંચ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામોની ઘોષણા ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગમે ત્યારે કરવામાં આવે તેવું ચર્ચાઇ રહ્યું છે.