Published by : Rana Kajal
મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 1‘ એ વર્ષ 2022માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મની શાનદાર સફળતા પછી દર્શકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મના બીજા ભાગને લઇને દર્શકોમાં એનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે, ફિલ્મના મેકર્સે ‘પોન્નિયિન સેલ્વન 2’ ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 1’ એ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. મેગા બજેટમાં બનેલી આ ફિલ્મને લઇને દર્શકો વચ્ચે ઘણો ઉત્સાહ હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ તમિલ સિનેમાની હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મોમાંની એક બની ચૂકી છે. આ ફિલ્મની રિલીઝ સાથે જ આની સિક્વલની વાત પર ચર્ચા થવા લાગી હતી. આજે ફિલ્મના મેકર્સે ‘પોન્નિયિન સેલ્વન 2’ ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રિલીઝ થશે.
‘પોન્નિયિન સેલ્વન 1’ ની કહાની એ જ નામની લેખક કલ્કી કૃષ્ણમૂર્તિની તમિલ નવલકથાનું રૂપાંતરણ છે. જે 1950ના દાયકામાં સિરીઝ તરીકે રજૂ કરવામાં આવી હતી. મણિરત્નમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ચોલ વંશની કહાની દર્શાવવામાં આવી છે. આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, કાર્તિ, ત્રિશા કૃષ્ણન, જયરામ રવિ, લક્ષ્મી અને શોભિતા ધૂલીપાલા જેવા લોકપ્રિય કલાકારો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.




