જામનગર
Published by : Rana Kajal
30 ઓક્ટોબરની મોડી સાંજે મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા અતિ દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે આ ઘટનામાં જાલિયાદેવાણીના જાડેજા પરિવારનો માળો વિખાયો હતો.જેમાં 5 બાળકો સહિત એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. તેમજ ખરેડીના 3 લોકોના પણ મચ્છુમાં ડૂબી જતા મોત થયા હતા. આમ, જામનગરમાં 10 લોકોના મોત થયા હોવાનું જિલ્લા સત્તાવાળાઓએ જાહેર કર્યું છે.મૃતકોમાં જાલિયાદેવાણી અને ખરેડીના ગ્રામજનોનો સમાવેશ થાય છે.
જામનગરમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ કંટ્રોલ રૂમ દ્વારા આજે સોમવારે જાહેર કરવામાં આવ્યું છે કે મોરબીમાં થયેલ ઘટનામાં જામનગર જિલ્લાના 10 ગ્રામજનોનો ભોગ લેવાયો છે. ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીના જાડેજા પરિવારનાં 7 સભ્યોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે.જે સભ્યોની યાદી નીચે મુજબ છે.
- કિરણબા પ્રતાપસિંહ જાડેજા (30)
- શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (09)
- જયાબા ગંભીરસિંહ જાડેજા (55)
- અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (26)
- ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (07)
- દેવાંશીબા પ્રતાપસિંહ જાડેજા (06)
- દેવર્ષિબા પ્રતાપસિંહ જાડેજા (05)
આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખરેડીનાં ત્રણ લોકોનો પણ જીવ ગયો છે. એક સાથે 7 લોકોના મોત થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોતની ચીચીયારીથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યુ હતું. તેમજ સામુહિક અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું. હાલ આ દુર્ગઘટનાને પગલે જાલીયાદેવાણીના ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે.