Home News Update રાજપીપળા રેલવે સ્ટેશન પર એક મહિનાથી રહેતા વૃદ્ધને મળી છત અને આશ્રય...

રાજપીપળા રેલવે સ્ટેશન પર એક મહિનાથી રહેતા વૃદ્ધને મળી છત અને આશ્રય સ્થાન

0

Published By:-Bhavika Sasiya

  • 75 વર્ષના વૃદ્ધનું એલ્ડર હેલ્પ લાઇન દ્વાર રેસ્ક્યુ કરી વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવાયો.
  • રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોની મદદ માટે કાર્યરત એલ્ડર હેલ્પલાઇન 14567.

કેન્દ્ર અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ જીવન માટે તમામ પ્રકારે સહાય પૂરી પાડવા માટે એલ્ડર હેલ્પલાઇન 14567 શરૂ કરવામાં આવી છે.

એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ ચાર પ્રકારે સહાય કરવામાં આવે છે. આ માટે સવારના 8 થી સાંજના 8 વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝનનો સંપર્ક કરી શકાય છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલામાં એક નિરાધાર વૃદ્ધ મળી આવતા એલ્ડરલાઈન દ્વારા તેમને વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો હતો.

એલ્ડરલાઇન નર્મદા ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર વૈશાલીબેન વસાવાના જણાવ્યા અનુસાર, છગનભાઈ ભયજીભાઈ તડવી નામના આશરે 75 વર્ષની ઉંમરના વૃદ્ધ રાજપીપલા રેલ્વે સ્ટેશનમાં એક મહિનાથી રહેતા હતા. રાજપીપલાના રહીશ મનોજભાઈ માછીને આ વૃદ્ધ નિરાધાર હોવાની માહિતી મળતા તેની જાણ એલ્ડર હેલ્પલાઇન પર ફોન દ્વારા કરી હતી.

બાદમાં નર્મદા જિલ્લાના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસરને છગનભાઈ તડવી કાળીયા ભૂત પાસે એક દુકાનની બહાર હોવાની માહિતી મળતા ત્યાં પહોંચી વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવાર વિશે પુછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં કોઈ નથી, હું રાજપીપલા રેલવે સ્ટેશન ખાટે એકલો જ રહું છું. એટલે મારે હવે વૃદ્ધાશ્રમ જવું છે.

ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસરે હેલ્પ લાઈન નંબર 100ની મદદ લઈને રાજપીપલામાં નિરાધાર વૃદ્ધ મળી આવ્યાં હોવાની માહીતી આપી આ વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટે મદદ માગી હતી. પોલીસકર્મી સંતોષભાઈ વસાવા તેમજ કલ્પેશભાઈ વસાવાએ તાત્કાલિક વૃદ્ધની મદદે સ્થળ પર પહોંચી ગયા હતા.

એલ્ડરલાઇન દ્વારા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત મોટા પીપરીયા વૃદ્ધાશ્રમના કમલેશભાઈ રાઉલજીને આ અંગે વાત કરતા તેમણે આગળ આવીને મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે આ વૃદ્ધને આશ્રય આપ્યો છે, જ્યાં આશ્રમ દ્વારા તેમની સાર સંભાળ લેવામાં આવી રહી છે. આ ઉમદાકાર્ય થકી વૃદ્ધ છગનભાઈ તડવીએ ખુશી વ્યક્ત કરી અને સંતોષની લાગણી અનુભવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version