- 8 ડિસેમ્બરે મને સૌથી પહેલો હાર કોંગ્રેસના ઉમેદવાર પહેરાવશે જણાવ્યું બાલુ શુક્લએ
વડોદરામાં ચૂંટણીનું ઘમાસાણ શરુ થઇ ગયું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે વડોદરાની રાવપુરા બેઠક ઉપર ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા અને ત્યાં જ એકમેક સામે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરુ થયો હતો
વડોદરા રાવપુરા બેઠક ઉપરથી ભાજપ દ્વારા પૂર્વ સાંસદ બાલુ શુક્લને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે સંજય પટેલને મેદાને ઉતાર્યા છે. આ બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વડોદરામાં ભ્રષ્ટાચાર એ હદે ફૂલ્યો ફાલ્યો છે કે લોકો ત્રસ્ત થઇ ઉઠ્યા છે. વિશ્વામિત્રી નદી ઉપર રિવર ફ્રન્ટની વાત ભાજપા લાવ્યું હતું પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થયો છે તેનાથી સહુ વાકેફ છે.
તો સામે ભાજપાના બાલુ શુક્લએ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે સંજય પટેલ એ મારા મિત્ર છે તેઓ હાલ કોંગ્રેસમાં છે તેથી તેઓ કોંગ્રેસ જેમ બોલાવે તેમ બોલે છે. બાકી 8 ડિસેમ્બરે મારી જીત બાદ મને સૌથી પહેલો હાર તેઓ જ પહેરાવશે તેવો મને વિશ્વાસ છે.
(ઈનપુટ : જિતેન્દ્ર રાજપૂત, વડોદરા)




