રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે 154મો જન્મદિવસ છે. એ નિમિતે શહેરના શાહ દંપતિએ સોલ્ટ આર્ટ દ્વારા ગાંધીજીના પેઇન્ટીંગ્સ, 20 કલરફુલ પેઇન્ટિંગ, 8 રેંટિયા, સિક્કાઓ પ્રદર્શનાર્થે મુક્યા છે. વડોદરા શહેરના કોઠી કચેરી ચાર રસ્તા પાસે રહેતા અતુલભાઈ શાહ અને તેમના જીવન સંગિની મુદિકા શાહની આઠ મહિનાની સખત જહેમત બાદ “ધી ફ્રિડમ માર્ચ” ના નેજા હેઠળ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરીજનો 2જી ઓક્ટોબરથી 4થી ઓક્ટોબર સુધી સવારના 10થી સાંજના 7:30 કલાક દરમિયાન નિહાળી શકે છે.
છેલ્લા 14 વર્ષથી સંગ્રહકાર અતુલ શાહ દર વર્ષે ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજી ઉપર પ્રદર્શન કરતા આવ્યા છે. દર વર્ષે કંઈક નવી જ વસ્તુઓ એમના પ્રદર્શનમાં જોવા મળતી હોય છે. અને મોટાભાગે તમામ વસ્તુઓ એન્ટિક હોય છે. જે આપણને બીજે કશે જ જોવા મળી ન હોય.
સંગ્રહકાર અતુલ શાહ, કે જેમની પાસે ગાંધીજીને લગતી તમામ વસ્તુઓનો સંગ્રહ છે. એમણે જણાવ્યું કે, આ વર્ષે ખાસ ગાંધીજીના સિદ્ધાંતો આધારિત મીઠાના પેઇન્ટિગ્સ, અને દાંડી યાત્રાના 20 વોટર કલર પેઇટિંગ્સ બનાવ્યા છે. જ્યારે આ વર્ષે આપણે આઝાદીના 75 વર્ષેને ઉજવી રહ્યા છે તો, આઝાદીનો મુખ્ય વળાંક જ દાંડી યાત્રા પછી આવ્યો. જેને લઈને ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શમાં શહેરીજનો બારડોલી ચરખો, જે સંપૂર્ણપણે હાથથી બનાવેલો છે જેને નિહાળી શક્શે. તદુપરાંત આણંદ કૃષિ વિદ્યાલયનો ચરખો, પંજાબ ખાદી સરંજામ સમારકામ કાર્યાલયનો ચરખો, હરિજન આશ્રમનો પેટી રેંટિયો, કિસાન ચક્ર, પ્રવાસન ચક્ર, કિતાબ રેંટિયો, જેવા 8 પ્રકારના અલગ અલગ રેટિયાઓ પ્રદર્શનમાં મુક્યા છે.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ગાંધીજીની યાદમાં ચાંદીના સિક્કા બહાર પાડ્યા એ પણ અહીં નિહાળવા મળશે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)