- એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી… સીસીટીવી માં પણ ચોરો કેદ છતાં પોલિસ લાચાર
અંકલેશ્વર ખાતે કાર ચાલકોને વાતોમાં ભેરવી તેમાં રહેલ બેગ ઉઠાવી નાણાની ચીલ ઝડપ કરતી ટોળકી સક્રિય છે. અગાઉ અનેક કિસ્સાઓ બન્યા.. પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા પરંતુ આ ચીલ ઝડપ કરનાર ટોળકી નથી મળી રહી. અને તેઓ પોલીસના નાક નીચેથી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે. આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક કાર ચાલક ના રૂ. 1.50 લાખના નાણાની ચોરી કરી કોઈ ઈસમ ફરાર થઈ ગયો.
આપ જો કાર ચલાવતા હોય અને બાજુમાં કોઈ આવીને એમ કહે કે તમારી કારમાંથી ઓઇલ લીકેજ થાય છે અથવા તો અન્ય કોઈ બાબતે આપણે રોકે તો તેની વાત ઉપર ધ્યાન ન આપશો અને ત્યાં જ ઊભા રહેવાના બદલે ત્યાંથી દૂર જઈને ચેક કરો કારણ કે તમને આમ કહેનાર ચીલ ઝડપ કરનાર ટોળકીનો સભ્ય પણ હોય શકે છે. અંકલેશ્વર ખાતે આ એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા 6 માહિનામાં આવા સાત આઠ બનાવો બનવા પામ્યા છે. આજે પણ પાનોલી ખાતેથી આશિષ શુક્લ નામના વ્યક્તિ પોતાની કાર લઈને અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા દરમિયાન પ્રતિન ચોકડી નજીક એક વ્યક્તિએ બાઇક ઉપર આવી તેઓનો દરવાજો ખખડવી ગાડીમાંથી ઓઇલ લીક થાય છે તેમ જણાવ્યુ હતું. આશિષ શુક્લ ગાડીમાંથી બહાર નીકળ્યા ત્યારે ખરેખર ઓઇલ લીક થતું હતું. જેઓની મદદે અન્ય એક યુવાન આવ્યો હતો. અને બોનેટ ખોલાવી ચેક કરતો હતો દરમિયાન કારની સીટ ઉપર પડેલ બેગ લઈ અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો. કાર ચાલક ગેરેજમાં ગયા અને ચેક કરાવ્યુ તો કોઈ ઓઇલ લીકેજ થતું ન હતું પરંતુ તેઓની બેગ ગાયબ હતી. જેમાં રૂ. 1.50 લાખ હતા. આ અંગે તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર આવી તપાસ શરૂ કરી હતી. આશિષ શુક્લની બેગ ભડકોદરા નજીકથી મળી આવી હતી જેમાંથી તેઓના બધા ડૉક્યુમેન્ટ સલામત હતા પરંતુ પૈસા ગાયબ થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પંથકમાં દિન પ્રતિદિન આ રીતે થઈ રહેલ બનાવોને રોકવા અનિવારી છે. પોલીસ આ બાબતે ગંભીરતાથી લઈ ટોળકીને જેર કરે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.
(ઈનપુટ : વિનેશ પટેલ, અંકલેશ્વર)