મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી પશુઓ ભરેલી ટ્રક પસાર થવાની છે. જેવી બાતમીના આધારે શહેર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક નં GJ-01.JT-3075 આવતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં ૧૫ પશુઓ ખોચોખીચ ભરેલા નજરે પડ્યા હતા. પોલીસે પાટણના ડ્રાઈવર મોહીન બલોચ અને મહેસાણાના ક્લીનર અલ્લારખા પરમારને ઝડપી પાડ્યા હતા.
તો ત્યાજ અન્ય એક શંકાસ્પદ ટ્રક નં GJ-01.JT-0806 આવતા પોલીસે તેને અટકાવી હતી. જેમાંથી ૧૩ ભેંસ અને એક પાડો ખીચોખીચ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે મહેસાણા ખાતે રહેતા ટ્રકના ડ્રાઈવર નિશાર શેખ તથા કલીનર બિસ્મિલ્લા જયમિતખાન દરબારને ઝડપી પાડ્યા હતા. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ કરતા તે ગેરકાયદેસર ભેંસો મહેસાણાથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઇ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૩ મોબાઈલ ફોન, ૨ ટ્રક તથા ૨૯ પશુઓ મળી કુલ રૂ. ૧૮.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો અન્ય ૩ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.