- ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા
સુરત : લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પર મોડી રાત્રે એક ભિક્ષુકે લાકડાના સપાટા મારી બીજા ભિક્ષુકને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામા કેદ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ લીમડા ચોક વિસ્તારમાં મુખ્ય રાજમાર્ગ ફૂટપાથ ઉપર રહેતો ભિક્ષુક રસ્તા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન મોડી રાત્રે અંદાજીત બેથી ચાર કલાક દરમિયાન અન્ય ફૂટપાથ પર રહેતા એક ભિક્ષુકે અન્ય ભિક્ષુકને લાકડાના ફટકા માર્યા હતા. તેણે ભિક્ષુકને ક્રૂરતાપૂર્વક લાકડાના ૪ થી ૫ વાર ફટકા માથાના ભાગે મારી દીધા હતા. જેને પગલે ભિક્ષુકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ તે ત્યાંથી બિન્ધાસ્ત નીકળી ગયો હતો. બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતકના મૃતદેહના વાલીવારસાની શોધખોળ આરંભી હતી. જો કે મૃતક ફૂટપાથ પર રહેતો હોવાથી તેની કોઈ ઓળખ થઇ શકી નથી.
જો કે ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. લાલગેટ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આ અંગે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર યુવકને પકડવા અંગેની કવાયત હાથ ધરી છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)