મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સમુદ્ર પર બનેલા અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ (અટલ સેતુ બ્રિજ) પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈનું અટલ સેતુ હવે લોકો માટે સુસાઈડ પોઈન્ટ બની રહ્યું છે. આ અટલ બ્રિજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા આ પુલ પરથી દરિયામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જો કે કેબ ચાલક દ્વારા મહિલાનો ઘટનાસ્થળે જ આબાદ બચાવ કર્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે કૂદ્યા પછી, મહિલા તેના વાળ દ્વારા ખેંચાતી જોવા મળે છે જે ડ્રાઈવરના હાથમાં પકડાઈ ગઈ હતી, જો કે, તરત જ ઘટનાસ્થળે પહોંચેલા ચાર પોલીસ કોન્સ્ટેબલોએ રેલિંગ ઓળંગીને ઝડપથી મહિલાને બચાવવામાં મદદ કરી હતી. પોલીસે આ અંગે માહિતી આપી હતી કે મહિલાએ ડ્રાઈવરને દરિયામાં ધાર્મિક ફોટો સહિતની વસ્તુઓ ડૂબાડવાના નામે બ્રિજ પર ગાડી રોકવા માટે કહ્યું હતું. વાહન રોકાતાની સાથે જ પુલ પર નજર રાખી રહેલી ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની કારને જોતાની સાથે જ તેણે પુલ પરથી ઝંપલાવ્યું હતું જો કે ડ્રાઈવરે તેને બચાવી લીધી હતી.