Published by : Anu Shukla
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર કપ પરના પ્રતિબંધના નિર્ણયની અમદાવાદના 1 હજાર યુનિટ પર અસર પડી છે. કોરોના બાદ ધંધાની ગાડી માંડ પાટ્ટા પર ચડી હતી, પરંતુ એએમસીના નિર્ણયના કારણે પેપર કપ બનાવતા 1 હજાર યુનિટો બંધ થવાની આરે છે. કરોડો રૂપિયાના માલની સપ્લાય ઠપ થઇ છે. વેપારીઓ પેપર કપ ફરી યુનિટ્સમાં પાછા મોકલી રહ્યા છે.
અમદાવાદમાં પેપર કપ બનાવતા અંદાજે 1 હજાર યુનિટ છે. પેપર કપ બનાવતા યુનિટને અંદાજે 25 કરોડના ટર્ન ઓવર હતું. જે એએમસીના નિર્ણયથી ઠપ થયું છે. અમરેલીના રહેવાસી રાજનભાઈ નરોડીયા અમદાવાદના કઠવાળા જીઆઈડીસીમાં પેપર કપ બનાવવાનું શરૂ કર્યું હતું. પેપર કપ બનાવવાના મશીન લેવા હોય તો સરકાર સબસીડી આપે છે, એટલે રાજનભાઈ 4 મશીન લેવા માટે લોન લીધી હતી. જેમાં સબસીડી મળી હતી. નવા મશીન 5 જાન્યુઆરી 2023ના દિવસે આવ્યા હતા અને પેપર કપ પરના પ્રતિબંધનો મેસેજ રાજનભાઈને 14 જાન્યુઆરીએ મળ્યો હતો.જેના કારણે રાજનભાઈ પરેશાન છે. હવે તેમના માટે મોટો પ્રશ્ન છે કે, ઘર કઈ રીતે ચલાવવું અને લોનનો 1.15 લાખનો હપ્તો કેવી રીતે ભરવો?