Published by : Vanshika Gor
અમદાવાદ શહેર જિલ્લામાં દુષ્કર્મ અને છેડતીને લગતા ગુનાઓના આંકડા જાહેર થયા છે. શહેરમાં 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 905 બનાવ બન્યા છે, જ્યારે છેડતીની 514 ઘટના બની છે. આ તમામ બનાવોમાં 1801 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વિધાનસભામાં સવાલ પૂછાતા હર્ષ સંઘવીએ ગણાવ્યાં સરકારે ભરેલા પગલાં
ગુજરાત વિધાનસભા ગૃહમાં શુક્રવારે પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબમાં કહ્યું હતું કે દુષ્કર્મ, છેડતી જેવા કિસ્સાને રોકવા માટે શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરાય છે. ગુડ ટચ બેડ ટચના સેમિનાર પણ કરવામાં આવતા હોય છે. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, વન સ્ટોપ સેન્ટર, પેરવી ઓફિસરની નિમણૂક પણ કરાઇ છે.
સરકારે કહ્યું- મોટા ભાગના કેસમાં પ્રેમ પ્રકરણ જવાબદાર
દુષ્કર્મ-છેડતીની ઘટનાઓ અંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્નો કર્યાં હતાં. આ પ્રશ્નનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે 2021-22માં અમદાવાદ શહેરમાં દુષ્કર્મના 381 જ્યારે છેડતીના 223 કેસ નોંધાયા છે. એક વર્ષમાં જે 381 દુષ્કર્મની ઘટના બની તેમાં લગ્નના ઈરાદે 77, લગ્નની લાલચ આપી 156, પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સામાં 46, બળજબરીથી 26, એકાંતનો લાભ લઇ 10, નોકરીની લાલચ આપી 11, મૈત્રીભાવ કેળવી 19, ધમકી આપી 7, બદકામના ઈરાદે 7, ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના કિસ્સામાં 9 તેમજ ફેસબુકથી મિત્રતા કરી 6 કિસ્સામાં દુષ્કર્મની ઘટના બની છે.
સરકાર દ્વારા કહેવાયું હતું કે દુષ્કર્મના જે કેસ નોંધાય છે તેમાં મોટા ભાગના કિસ્સામાં પ્રેમ પ્રકરણ, લગ્નની લાલચ વગેરેના નોંધાયા છે. 11 કેસોમાં ઘટના બન્યાના માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જે તે પીડિતાને ન્યાય અપાવ્યો છે, જેમાં ફાંસીની સજા પણ સામેલ છે.




