Published by : Rana Kajal
- સ્મૃતિવનમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
આજથી 22વર્ષો પૂર્વે વર્ષ 2001માં ભયંકર અને વિનાશક ભૂકંપ સર્જાયો હતો.આ ભૂકંપની હોનારતમા 20 હજાર કરતા વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આજે તેમને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પવા સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.
22 વર્ષ અગાઉ તા.26 જાન્યુઆરી 2001ના શુક્રવારના રોજ સવારે 8.45 કલાકે આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપમાં 20 હજાર કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમની સ્મૃતિમાં કચ્છમાં નિર્માણ પામેલા સ્મારક માટે ખુદ વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે ‘એક વાર અવશ્ય જુઓ’કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની વરસી આવી રહી છે ત્યારે ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં નિર્માણ પામેલા સ્મૃતિવન સ્મારકમાં પ્રથમ વખત 26 મી જાન્યુઆરીએ જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. સ્મૃતિ વન સ્મારકના લોકાર્પણ વખતે વડાપ્રધાન મોદીએ કચ્છના લોકોને વિનંતી કરતા કહ્યું હતું કે,તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે, તો કૃપા કરીને સ્મૃતિવનની મુલાકાત લીધા વિના તેમને જવા ન દેશો.અહીં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવાની અપીલનો પણ અમલ કરવામા આવી રહયો છે.
આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે તાજેતરમાં મ્યુઝીયમની મુલાકાત વખતે જણાવ્યું હતું કે,2001ના ધરતીકંપમાં જે જીવ આપણે ગુમાવ્યા છે, તે ખૂબ જ દુઃખની ક્ષણ હતી.સ્મૃતિવનના નિર્માણમાં સંકળાયેલી ટીમની પ્રશંસા કરી અસરગ્રસ્ત લોકોની સ્મૃતિને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીને આપત્તિની તૈયારીના મહત્વ વિશે શિક્ષિત કરવા માટેના સંગ્રહાલયના પ્રયાસોને બિરદાવ્યા હતા. ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે.સ્મૃતિવનની એન્ટ્રી ફી 20 રૂપિયા છે અને મ્યુઝિયમની ફી 300 છે. ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાયા છે.આ મ્યુઝિયમ ભારતનું સૌથી મોટું અને પ્રથમ હોવાથી દેશ વિદેશના મુલાકાતીઓ આવી રહ્યા છે.




