ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ શહેર એટલે કે ચારધામના પ્રમુખધામ પર ડુબવાનું જોખમ છે. અહિંયા લગભગ એક વર્ષમાં 500 ઘર, દુકાન અને હોટલમાં તિરાડો પડી છે. આ કારણે તે રહેવા લાયક રહ્યા નથી. શહેરના લોકોની આંદોલનની ધમકી બાદ વહીવટી તંત્રએ ભૂવૈજ્ઞાનિક, એન્જિનિયર અને અધિકારીઓની 5 સભ્યોની ટીમે તિરાડની તપાસ કરી છે. આ પાંચ સભ્યની ટીમમાં જોશીમઠના નગર પાલિકા અધ્યક્ષ શૈલેન્દ્ર પવાર, SDM કુમકુમ જોશી, ભૂવૈજ્ઞાનિક દીપક હટવાલ, કાર્યપાલક એન્જિનિયર(સિંચાઈ) અનૂપ કુમાર ડિમરી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી એન.કે.જોષી સામેલ કરવામાં આવ્યા છે.
પેનલે અવલોકન કર્યું કે જોશીમઠના કેટલાક ભાગો માનવસર્જિત અને કુદરતી કારણોને લીધે ડૂબી રહ્યા છે. વૃક્ષો અને પહાડો કપાવાને કારણે ભૂસ્ખલન પણ થાય છે. જોશીમઠના લગભગ તમામ વોર્ડમાં આયોજન વગર ખોદકામ થઈ રહ્યા છે. જેને કારણે મકાન અને દુકાનમાં તિરાડ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, અધિકારીઓને એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સલાહ લઈ તાત્કાલિક સુરક્ષાના પગલા લેવા આદેશ આપ્યો છે.




