Published By : Parul Patel
કચ્છના ઝૈનુલનો અનોખો શોખ…100 વધારે વિંટેજ કેમેરાનો કર્યો છે સંગ્રહ…દરેક માનવીના અલગ અલગ શોખ હોય છે, ત્યારે કચ્છના એક યુવાનનો શોખ જુના કેમેરાઓનો સંગ્રહ કરવાનો છે.
કચ્છના ઝૈનુલ સિદ્દી નામના યુવાનને જુના કેમેરાનું કલેક્શન કરવાનો શોખ છે. તેણે આઠ વર્ષમાં લગભગ 100 થી વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું છે. સામાન્ય રીતે ફોટોગ્રાફીનો શોખ ઘણા લોકોને હોય છે. પરંતુ કચ્છના ઝૈનુલ સિદ્દી નામના યુવાનને જુના કેમેરાનું કલેક્શન કરવાનો અનોખો શોખ છે.
કચ્છના ભુજના આ યુવાને 1855 થી લઈ અને અત્યાર સુધીના કેમેરાનૉ સંગ્રહ કર્યો છે. ઝૈનુલ સિદ્દી નામના આ યુવાનને કોલેજ કાળથી જ ફોટોગ્રાફીનો શોખ હતો. તેમણે સૌપ્રથમ મોબાઇલમાં ફોટોગ્રાફી શરૂ કરી હતી. કોલેજકાળ દરમિયાન ભુજના દરબારમાં એક વિન્ટેજ કેમેરાનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં આ યુવાન જુના કેમેરા જોવા માટે પહોંચ્યો હતો. જોકે કેમેરો અડતી વેળાએ યુવાનને આયોજકે ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતે જુના કેમેરાનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતું. હાલ તે 100 કેમેરાનો સંગ્રહ ધરાવે છે. ઝૈનુલ સિદ્દીના કાકાને જુની વસ્તુઓ સમગ્ર કરવાનો શોખ છે. જેની પાસેથી તેમને પ્રેરણા મળી હતી.
ઝૈનુલ સિદ્દીના કલેક્શનમાં આજે જે તે સમયથી માંડી અત્યાર સુધીની દરેક ખ્યાતનામ બ્રાન્ડના કેમેરાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત તો એ છે કે આ વિન્ટેજ કેમેરાઓમાંથી મોટાભાગના કેમેરાઓ કાર્યરત સ્થિતિમાં છે. પરંતુ અમુક નેગેટીવ, રોલ્સ સહિતની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી તે કાર્યશીલ નથી. આ કલેક્શન ખરીદવા વિદેશના લોકોએ પણ માંગ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.