બુધવાર, 17 ઓગસ્ટની મોડી રાતથી રાજુ શ્રીવાસ્તવની તબિયત બગડી હતી અને વારંવાર હુમલાઓ આવી રહ્યા છે. ડૉક્ટર્સે માથાનો સીટી સ્કેન કરાવ્યો હતો અને તેમાં મગજના એક હિસ્સામાં સોજો હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાઈ સીપી શ્રીવાસ્તવે કહ્યું હતું, ‘મગજમાં પાણી ભરાઈ ગયું છે. ડૉક્ટર્સે સ્થિતિ ચિંતાજનક હોવાનું કહ્યું છે.’ પરિવારના સભ્યો તથા અનેક સંબંધીઓ દિલ્હીની AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં આવ્યા છે.
રાજુ શ્રીવાસ્તવ માટે દવાની સાથે દુઆની મદદ લેવામાં આવી છે. કાશી વિશ્વનાથ ધામ તથા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ થઈ રહ્યો છે.
સિંગર કૈલાશ ખેરે 21 સંતો પાસે જાપ કરાવવાનું સૂચન કર્યું
ચાર દિવસ પહેલાં સિંગર કૈલાશ ખેરે રાજુ શ્રીવાસ્તવ માટે 21 સંતો પાસે મહામૃત્યુંજય જાપ કરાવવાનું કહ્યું હતું. પરિવાર હવે ધાર્મિક આસ્થા સાથે રાજુની તબિયત સુધરે તે માટે પ્રયાસ કરે છે. પુજારી ધર્મેન્દ્ર કૃષ્ણાએ કહ્યું હતું, ‘મહામૃત્યુંજય મંત્રજાપથી શિવજીની કૃપા રહે છે. આ મંત્ર અકાળ મૃત્યુથી બચાવે છે.’ ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનના સારા સ્વાસ્થ્ય માટે કાશી વિશ્વનાથ મંદિરમાં મૃત્યુંજય જાપ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી માટે ઉજ્જૈનમાં હાલમાં જ મૃત્યુંજય જાપ કરાવવામાં આવ્યો હતો.
દેશભરમાંથી લોકો મળવા આવી રહ્યા છે
મોટાભાઈએ વધુમાં કહ્યું હતું, ‘રાજુના ચાહકો AIIMSમાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ચેપ ના લાગે, આથી જ પરિવારની સહમતિ પર ICUમાં તમામની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાહકો પરિવારને મળીને રાજુની તબિયત પૂછે છે.’