- અંકલેશ્વરની ભવ્યા એપાર્ટમેન્ટના પરિવારને કડવો અનુભવ થયો
- ટીવીનું બોક્સ સેટઅપ કરવાના બહાને ઘરમાં પ્રવેશ કરી ગઠીયો કારની ચાવી ચોરી કરી બાદ કાર ચોરી ફરાર
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ ભવ્યા એપાર્ટમેન્ટમાં મહિલા અને તેના બાળકની એકલતાનો લાભ લઇ વાહન ચોરોએ નવો કીમિયો અજમાવી ૩ લાખની કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
હવે વાહન ચોરો પણ નવો કીમિયો અજમાવતા થયા હોય તેવો પ્રથમ કિસ્સો અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ ભવ્યા એપાર્ટમેન્ટમાં સામે આવ્યો છે ભવ્યા એપાર્ટમેન્ટમાં રહેતી માનસીબેન રોહન મહેતા ગતરોજ પોતાના ૧૦ વર્ષીય પુત્ર સાથે ઘરે હતા તે દરમિયાન એક અજાણ્યો ઇસમ તેઓના ઘરે આવ્યો હતો અને ટાટા સ્કાયમાંથી આવ્યો હોવાનું જણાવી ડીશ ટીવીનું સીસ્ટમ સેટઅપ કરવાનું જણાવ્યું હતું મહિલાએ તેને રીમોટ આપ્યું હતું અને પોતાના કામમાં વ્યસ્ત બન્યા હતા તે વેળા આ ઇસમ મહિલાની નજર ચૂકવી બાઉલમાં રહેલ ફોર વ્હીલ ગાડીની ચાવી લઇ થોડીવાર ટીવી બંધ રહેશે તેમ કહી જતો રહ્યો હતો.
બાદ સાંજે મહિલાના પતિ ઘરે આવી તેઓએ ફોર વ્હીલ ગાડી ક્યાં છે તેમ કહેતા જ મહિલા બહાર દોડી આવી હતી અને જોતા તેઓની ૩ લાખની ફોર વ્હીલ ગાડી પાર્કિંગમાંથી ગાયબ હતી જેઓને તેઓના પાડોશીએ બપોરના સમયે એક અજાણ્યો ઇસમ લઇ જતો હોવાનું જણાવ્યું હતું. કાર ચોરી અંગે મહિલાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખની છે કે તમારા ઘરમાં ટીવી સેટઅપ કરવા કોઈ અજાણ્યો ઇસમ આવે તો પોલીસને તરત જાણ કરવાથી ચોરીની આવી ઘટનાઓને અટકાવી શકાય છે.