- દુકાનદાર યુવક છેલ્લા 3 દિવસથી મુખ્ય બજારમાંથી શાળાએ જતી છાત્રાની છેડતી કરતો હતો
- આજે પરિવારને કહેતા ભર બજારમાં જ દુકાનદાર યુવકને 19 દંડા અને 20 જેટલા તમાચાનો મેથીપાક ચખાડ્યો
- અંતે સમાધાન કરાવતા મામલો થાળે પડ્યો
ભરૂચ જિલ્લાના જંબુસર મુખ્ય બજારમાંથી રોજ શાળાએ જતી આવતી વિધાર્થીની છેડતી કરતા દુકાનદારને આજે મંગળવારે પબ્લિકે જ પોલીસ બની લાફા અને તમાચા ઝીંકી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. બજારમાં યુવાનની પીટાઈને લઈ અન્ય દુકાનદાર વેપારીઓમાં પણ સન્નાટો મચી ગયો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો.
જંબુસર તાલુકાના એક ગામની દીકરી રોજ જંબુસરમાં શાળાએ આવતી જતી હતી. જંબુસર મુખ્ય બજારમાંથી રોજ પસાર થતી આ વિદ્યાર્થીનીને એક દુકાનદાર યુવક છેડતી કરતો હતો.છેલ્લા ત્રણ દિવસથી દુકાનદાર યુવકની છેડતીને લઈ છાત્રાએ સ્કૂલે જવાની જ ના પાડી દીધી હતી. આજે મંગળવારે વિધાર્થીનીના પરિવારજનોએ તેને કારણ પૂછતાં છાત્રા ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની સાથે યુવક દ્વારા કરાતી હેરાનગતિ અને કોમેન્ટો અંગે પરિવારને જણાવ્યું હતું.જેને લઈ પરિવારજનો આગ બબુલા થઈ ગયા હતા. દીકરીને સ્કૂલે મોકલી તેની પાછળ જ પરિવારજનો પણ નીકળ્યા હતા. જેવું જ જંબુસર મુખ્ય બજાર આવતા અને દુકાનદારે છેડતી કરવા જતાં પરિવારજનો અને પબ્લિકે યુવાનને બજારના મુખ્ય રસ્તા ઉપર બહાર લાવી તેની બરાબરની ધુલાઈ શરૂ કરી દીધી હતી.મુખ્ય બજારમાં જ દુકાનદારની લાફા અને દંડા વડે બરાબરની ધુલાઈને લઈ અન્ય દુકાનદારો પણ વચ્ચે પડવા જતા પબ્લિકે તેમને વચ્ચે નહિ પડવા ટકોર કરી હતી. હવે કોઈ પણ છાત્રાની છેડતી કરશે તેમ કહી પબ્લિકે યુવાનને 18 થી 20 દંડા અને 19 જેટલા તમાચાઓ ઝીકી દીધા હતા. ઘટનાને લઈ બજારમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. તે સમયે જ સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી તેના વિડીયો વાયરલ કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આ જાહેરમાં દુકાનદાર રોમિયોને મેથીપાકને અન્ય સ્કૂલની પસાર થતી છાત્રાઓએ જોતાં તેઓ પણ જે થયું તે જરૂરી હોવાનો ઉદગાર વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ આ દુકાનદાર યુવક લઘુમતી કોમનો જ્યારે છાત્રા હિન્દૂ હોવાની વિગતો બહાર આવી છે. રાજકારણીઓ, વેપારીઓ વચ્ચે પડ્યા બાદ ઘટનામાં સમાધાન કરાવી દેવાની વિગતો બહાર આવી રહી છે.