- સેન્ટ ઝેવિયર્સ-મહંમદપુરા ટ્રાય એન્ગલ બ્રિજ, રંગઉપવન, ભૂગર્ભ ગટર સહિતના આયોજન અંગે ચર્ચા
- બે કલાક ચાલેલી બેઠકમાં એજન્ડા ઉપરના 34 કામો સર્વાનુમતે મંજુર
- વિપક્ષે સફાઈ કામદારો, ગ્રાન્ટની ફાળવણી, ડાયવર્ઝનનું આગોતરું આયોજન કરવા સહિતના મુદ્દે રજૂઆતો કરી
ભરૂચ પાલિકાની મંગળવારે મેળેલી સામાન્ય સભામાં નહેરમાં ગાબડું અને સ્ટ્રીટલાઈટોનો મુદ્દો વિપક્ષે ઉછાળ્યો હતો. બે કલાક ચાલેલી સામાન્ય સભામાં એજન્ડા ઉપરના 34 કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.
ભરૂચ નગર પાલિકાની મંગળવારે સામાન્ય સભા પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મુખ્ય અધિકારી દશરથસિંહ ગોહિલ, ઉપપ્રમુખ નિનાબા યાદવ, શાસક – વિરોધ પક્ષના નેતા તેમજ સભ્યો હાજર રહ્યાં હતા. સભાની શરૂઆતે જ વિપક્ષ કોંગ્રેસે નહેરમાં પડેલ ગાબડું કોંગ્રેસે સ્થળ મુલાકાત લીધાના 10 દિવસ બાદ શાસકો સક્રિય થયા હોવાના અને 6 કરોડ ઉપરાંતનું વીજ બીલ નહિ ભરાતા સ્ટ્રીટ લાઈટ કપાઈ જવામાં વિપક્ષની સક્રિયતા બાદ જ શાસક એક્શનમાં આવ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આગામી દિવસમાં શહેરમાં સેન્ટ ઝેવિયર્સથી મહંમદ પુરા અને શ્રવણ ચોકડી ઉપર ફ્લાય ઓવરની કામગીરી શરૂ થનારી છે. બે થી ત્રણ વર્ષ ચાલનારી આ કામગીરીમાં વિગતવાર અભ્યાસ કરી ડાયવર્ઝનો આપવા ભાર મુકાયો હતો.

રંગ ઉપવનમાં પણ ત્રીજી વખત બદલાયેલ ઠરાવ મુદ્દે ભારે ચર્ચા ચાલી હતી.રંગ ઉપવન ખાતે આગામી સમયમાં અદ્યતન શોપિંગ કોમ્પલેક્ષ બનનાર છે. સફાઈ કામદારોની ઘટ, કાયમી ડમપિંગ સાઇટ, હેડ વાઇઝ ગ્રાન્ટનો પ્રશ્ન પણ વિપક્ષી નેતા સમસાદ અલી સૌયદ, સલીમ અમદાવાદી સહિતે ઉઠાવ્યો હતો.ભરૂચ પાલિકા પ્રમુખે ભૂગર્ભ ગટર યોજના હેઠળ આગામી સમયમાં આપનારા જોડાણ, રંગ ઉપવન પ્રોજેકટ અને સેન્ટ ઝેવિયર્સ ફ્લાયઓવરના આયોજન અંગે માહિતી આપી હતી. સાથે વિકાસના અન્ય કામો તેમજ આજની સભાના તમામ કામો સર્વાનુમતે મંજુર કરાયા હોવાનું કહ્યું હતું.




