આસારામ બાપુએ મહિલા શિષ્યા પર બળાત્કાર ગુજારવાના કેસમાં ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આસારામ બાપુ હાલમાં જોધપુર જેલમાં બંધ છે.
વિદ્યાર્થિની પર બળાત્કારનો આ મામલો 22 વર્ષ જૂનો છે. ઑક્ટોબર 2013માં, 2001માં સુરત સ્થિત આશ્રમમાં શિષ્યા પર બળાત્કારના સંદર્ભમાં FIR નોંધવામાં આવી હતી. આસારામની શિષ્ય પીડિતાએ કુલ સાત લોકો સામે આ કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી આ કેસની સુનાવણી ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. 29 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટે આસારામ બાપુને દોષિત ઠેરવ્યા હતા જ્યારે અન્ય છ આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે આસારામને કલમ 342, 357, 376, 377 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. આ કેસની FIR અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ પછી મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. SITએ જાન્યુઆરી 2014માં આસારામ અને અન્ય છ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 101 સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.
આ કેસમાં આજે ગાંધીનગર સેશન્સ કોર્ટે IPC 376 અને 377 હેઠળ આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. ઉપરાંત પીડિતોને રૂપિયા 50 હજાર વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.




