ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલા ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.
બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્ટ જાહેર કરાયુ છે.ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.
કેજરીવાલે ગુજરાતની જનતાને 5 ગેરંટી આપી
- પાંચ વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી.
- રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારોને દર મહિને રૂ. ત્રણ હજાર
- 10 લાખ સરકારી નોકરી આપીશું.
- ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે, આવાં કૃત્યો બંધ કરાવવા કાયદો લાવીશું
- સહકારી ક્ષેત્રે નોકરીની સિસ્ટમ પારદર્શક કરીશું, જેથી સામાન્ય માણસોને નોકરી મળશે.