- ભરૂચમાં વીજ કંપનીએ પાલિકા પાસેથી 6.13 કરોડની બાકી વસુલાત સામે 80 સ્ટ્રીટલાઈટના જોડાણો કાપ્યા
- આમોદમાં પણ હાલમાં જ વીજ બિલ ભરપાઈ નહિ કરતા મુખ્યમાર્ગોની સ્ટ્રીટલાઈટો બંધ કરી દેવાઈ હતી
આજથી પાલિકાના પાપે ભરૂચના શહેરીજનોને મુખ્ય માર્ગ ઉપર અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે. વોટર વર્ક્સ અને સ્ટ્રીટલાઈટના રૂપિયા 6.33 કરોડનું વીજ બિલ બાકી હોય 80 સ્ટ્રીટલાઈટના જોડાણો DGVCL એ કાપી નાખ્યા છે.
ભરૂચ જિલ્લામાં ચારેય પાલિકા, જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયતમાં ભાજપનું રાજ છે. આટલું જ નહીં પાંચેય વિધાનસભા બેઠકો ઉપર પણ ભાજપે તાજેતરની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવતા, પાંચ ધારાસભ્યો પણ ભાજપના જ છે.
જોકે ભાજપ શાસિત ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર પાલિકામાં સુશાસનના અભાવે નગરજનોને અંધારા ઉલેચવાની નોબત આવી પડી છે.
ચારેય પાલિકાના વોટર વર્કસ અને સ્ટ્રીટલાઈટના જોડાણોનું રૂપિયા 9.55 કરોડનું વીજ બિલ બાકી હોય દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાલિકાના સ્ટ્રીટ લાઈટોના જોડાણો કાપવાની શરૂઆત કરી છે.
ભરૂચ પાલિકામાં વોટર વર્ક્સના 33 જોડાણો, સ્ટ્રીટલાઈટના 241 વીજ કનેક્શનનું બાકી રૂપિયા 6.13 કરોડના બીલની ઉઘરાણી સામે નાણાકીય વર્ષના અંતને લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે શુક્રવારે ભરૂચના સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગોની 80 સ્ટ્રીટલાઈટના જોડાણ એક ઝાટકે કાપી નખાયા છે.
આમોદમાં પાલિકાએ વીજ કંપનીને 2.13 કરોડ, જંબુસર પાલિકાએ વીજ બીલના 1.53 કરોડ અને અંકલેશ્વર પાલિકાએ 6.57 લાખ ભરવાના બાકી છે. આગામી સમયમાં જો વીજ બિલો ભરવામાં પાલિકા નિષ્ફળ રહી તો ચારેય નગરોમાં અંધારા છવાઈ શકે છે.




