નવરાત્રીના પાવન અવસર પર તમામ માઇ ભક્તો ગરબે ઘૂમતા હોય છે. નવરાત્રિમાં તમામ લોકો એટલે કે બાળકો મહિલાઓ અને પુરુષો સાથે મળીને ગરબે રમતા હોય છે. પરંતુ વડોદરા શહેરમાં વર્ષો જૂની એક પરંપરા અનુસાર અંબા માતાના ચોકમાં માત્ર પુરુષો જ ગરબા રમતા આવ્યા છે અને આજ દિન સુધી આ પરંપરા ચાલી રહી છે.
વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં યોજાતા એક માત્ર ગરબા એવા છે, જે ગરબી તરીકે ઓળખાય છે અને ભક્તિભાવ પૂર્વક યોજાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. 150 વર્ષ ઉપરાંતથી પ્રાચીન અંબા માતાના મંદિર ખાતે દર વર્ષે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાતા આવ્યા છે.
આ અંગે માહિતી આપતા મંદિરના પૂજારી દુર્ગેશ પંડિતે જણાવ્યું હતું કે, આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે. અહીં પુરુષો જ માત્ર ગરબા કરી શકે છે. તે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે, રમી શકતી નથી. સાથે વડોદરા વડપત્ર તરીકે જાણીતું હતું, ત્યારે અહીં રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી ન હતી. એટલે જ આ ઘળીયાળી પોળનું બંધારણ અનુસાર અહીં ઊંચે ઝરૂખામાં બેસી સ્ત્રીઓ ગરબા જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા હતી અને ત્યાંથી તેઓ બેસી ગરબા ગાઈ પુરુષો માતાજીના ચોકમાં માતાજીની ચૂંદડી કે સાડી ઓઢીને માતાજીની સખી રૂપી ગરબા કરતા હતા.
આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે. સાથે માતાજીના ગરબાની જ્યોત લઈ માતાજીની સામે દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે. તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે. તે દર્શાવે છે કે, માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન – મરણના ચક્રમાં તેની આસપાસ ફરતો રહે છે. અહીં શહેરના શ્રદ્ધાળુઓ રોજે રોજ ગરબા રમવા માટે આવે છે અને ગરબાના અંતમાં લ્હાણી એટલે કે ભેટ પણ આપવામાં આવે છે. જો પુરુષો કે યુવાનો અંબા માતાના દર્શન કરવા જાવ તો એક ચક્કર ગરબાનો જરૂરથી મારજો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)