નવરાત્રીના શુભ અવસર પર શહેરીજનો ગરબે ઘૂમી રહ્યા છે, બધા માતાજીની આરાધના કરી રહ્યા છે. જેમાં આપણે અત્યાર સુધી જોયું છે કે માટીની ગરબી માતાજી પાસે મૂકવામાં આવતી હોય છે અને તે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. પરંતુ આ વર્ષે કંઇક અલગ જ ગરબી બનાવવામાં આવી છે જે ક્યારે જોઈ નહીં હોય કે વિચાર્યું નહીં હોય.
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક તથા લાલ કોટની સામે આવેલ દયાળભાઉના ખાંચામાં ખાસ સોનેરી ગરીબીની સ્થાપના કરવામાં આવી છે. આવી સોનેરી ગરબીની સ્થાપના વડોદરા શહેરમાં પ્રથમ વખત કરવામાં આવી છે. જેની ખાસિયત વિશે વિગતવાર માહિતી જણાવતા અનિલભાઈ પટેલે જણાવ્યું કે, આ ગરબી પંચધાતુના પતરામાંથી બનાવવામાં આવી છે. તદુપરાંત તેના ઉપર હાથેથી નકશી કામ કરવામાં આવ્યું છે. આ ગરબી બનાવવા પાછળ 2,51,000 રૂપિયાનો ખર્ચ થયો છે. જેની ઉંચાઈ 5 ફૂટ 3 ઇંચની છે. આ ગરબીની ચારેય તરફ માતાજી જેમકે, બહુચર માતા, ગાયત્રી માતા, સરસ્વતી માતા, મહાલક્ષ્મી માતા પણ દર્શાવવામાં આવ્યા છે અને અંદરની બાજુ ગણપતિજી પણ દર્શાવ્યા છે.
તથા નવરાત્રી રાસ ગરબા મંડળ, દયાળભાઉના ખાંચાના ગરબા એ 65માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. જે નિમિતે સોનેરી ગરબી બનાવડાવી છે, જે વડોદરાના જ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. આ ગરબીની પૂજા દરરોજ કરવામાં આવે છે. અને આઠમના દિવસે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબી બનાવવા માટે છેલ્લા 4 વર્ષથી પ્રયાસ ચાલી રહ્યા હતા, છેલ્લે ગયા વર્ષે માતાજીની મંજૂરી મળતા આ વર્ષે પ્રથમ વખત સોનેરી ગરબી લોકો સમક્ષ રજુ કરવામાં આવી છે. જેને જોઈને માઇભક્તો અચંબિત થઈ ગયા છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)