લોકજીવનના ધબકતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 126મી જન્મ જ્યંતીએ કોટી કોટી વંદન

0
7
  • ભાતીગળ જીવનમાં છિન્નભિન્ન પડેલા લોકસાહિત્યનાં અવનવાં લાખેણાં મોતીઓને એકઠાં કરીને એક માળામાં પરોવવાનું મુશ્કેલ કામ મેઘાણીજી કર્યું
  • મેઘાણીના સંશોધન પછી જગતને સમજાયું કે લોકગીતો એ તો વિશાળ જનમેદનીના હૈયામાં અવિરત વહેતાં ઝરણાં છે. 

ઝવેરચંદ મેઘાણી (1896 થી 1957 )નું એક બહુમુખી વ્યક્તિત્વ હતું. મેઘાવી કહી શકાય તેવા આ સર્જક હતા. એક સાહિત્યકાર હોવા ઉપરાંત તેઓ સંશોધક, વિચારક તથા ઉત્તમ ગાયક પણ હતા.આમ જુઓ તો કલકત્તા ભાઈના ધંધામાં તેઓ મદદ કરવા માટે 1918માં ગયા. કલકત્તા જવાનું થતાં ભાવનગરમાં ચાલતો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ છોડવો પડ્યો.કલકત્તામાં કવિવર ટાગોરના સાહિત્યનું આચમન લઈને તેઓ 1921માં ગુજરાતમાં પાછા આવ્યા. 1921 થી 1947 સુધીના લગભગ અઢી દાયકાના ગાળામાં તેમણે 100 જેટલાં પુસ્તકો લખ્યાં. અઢી દાયકામાં કદાચ એક યુગનું કામ કરીને તેઓ ગયા.તેમની સાધના આકરી હતી. પગપાળા કે ઘોડા ઉપર બેસીને તેઓ ગામેગામ ફર્યા. પરિભ્રમણના આ અઢી દાયકાના સમયગાળા દરમિયાન તેમણે લોકસાહિત્યના ધૂળ ધોયાનું કામ કર્યું. અનેક ગામડાઓ તથા નેસડાઓ તેઓ ખૂંદી વળ્યાં. છિન્નભિન્ન પડેલા લોકસાહિત્યના મોતીઓને એકઠા કરીને માળામાં પરોવવાનું મુશ્કેલ કામ તેમણે કરી બતાવ્યું.

બુલંદ તથા ભાવવાહી કંઠે ગાતા મેઘાણીને સાંભળવા એ પણ એક લ્હાવો હતો. એ પહાડનું સંતાન હતા. પાંચાળ તરીકે જાણીતા પ્રદેશમાં ચોટીલા, મુકામે તેમનો જન્મ થયો હતો. આ ભૂમિ મર્દાનગીની હતી. લોકકવિઓએ આ ભૂમિને બિરદાવી છે. મેઘાણી આ રીતે પ્રકૃતિનું ધાવણ ધાવીને મોટા થયા હતા.  સૌરાષ્ટ્રની રસધાર એ તેમની સુપ્રસિદ્ધ કથાઓનો મૂલ્યવાન ખજાનો છે. સૌરાષ્ટ્રની રસધારના પ્રથમ ભાગના પ્રગટ થયાને 2023 માં 100 વર્ષ પુરા થશે. સોરઠી બહારવટિયા ત્રણ ભાગ પણ 1930 પહેલા પ્રગટ થયા.ઝવેરચંદ મેઘાણીએ લોકગીતોના સંગ્રહનું કાર્ય કર્યું. આ સમયે લોકગીતોની પરખનું તેમજ સંશોધનનું આ તેમનું મહત્વનું કાર્ય હતું. મેઘાણીના સંશોધન પછી જગતને સમજાયું કે લોકગીતો એ માત્ર જોડકણાં કે શુષ્ક શબ્દો નથી. આ તો વિશાળ જનમેદનીના હૈયામાં અવિરત વહેતાં ઝરણાં છે. બરડા પંથકના બગવદર ગામના ઢેલીબેનને મળ્યા પછી સર્જક તથા સંશોધક મેઘાણીનું વિશેષ ધ્યાન લોકગીતો તરફ ગયું.કેટલાક સર્જકો તથા તેમની કૃતિઓ કાળજયી હોય છે. કાળના આકરા પ્રવાહમાં પણ આવી કૃતિઓ લીલીછમ રહે છે. મેઘાણી આપણાં આવા એક કાળજયી સર્જક છે. શ્રાવણ માસમાં મેઘાણીનો જન્મ થયો હતો. આથી તેમની પાવન સ્મૃતિને આજે તેમની 126મી જન્મ જ્યંતીએ કોટી કોટી વંદન કરીએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here