વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિદિન ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં આવેલી એમએસ યુનિવર્સિટી ગેટ સામે પેટ્રોલપંપ પાસે કેટલાક ઈસમો દ્વારા પાર્કિંગની જગ્યા પર એક મજાર ઉભી કરી દેવામાં આવી હતી. જેના પર લોકો ચાદર ચઢાવી તેની પૂજા પણ કરતા હતા. ત્યારે આ જગ્યા પાર્કીંગની હોવા છતા તેના પર મજારનું ગેરકાયદેસર રીતે દબાણ ઉભું કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને કેટલીક ફરિયાદો પણ કરવામાં આવી હતી.
આજે સવારે મેયરની ઉપસ્થિતિમાં પાલિકાના જેસીબી દ્વારા આ મજારનું દબાણ હટાવવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પાલિકાની કામગીરીમાં કોઈપણ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
તો તાંદલજા વિસ્તારના સહકાર નગરમાં સરકારી જમીન પર આવાસના મકાનો તૈયાર કરાવાની ગઈકાલે મંજૂરી મળી હતી. જેને લઈને સ્થળ પરના દબાણો દુર કરવા માટે આજ સવારથી જ પાલિકાની ટીમ કામે લાગી ગયા છે. આ સરકારી જમીન પર પાકું ધાર્મિક સંકુલ બનાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક સંકુલ નડતર રૂપ હોવાથી દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહીં 1400 જેટલા આવસો તૈયાર થનાર છે. ત્યારે અહીં ગ્રાઉન્ડની મધ્યમાં ધાર્મિક સંકુલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું, તે પાલિકાની દબાણ શાખા દ્વારા હાલ દૂર કરવામાં આવી રહ્યું છે.
મજારના દબાણ અંગે કેયુર રોકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે રીતે કેટલાક ઈસમો દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે રસ્તા પૈકી પાર્કીંગની જગ્યા પર પચાવાનું ષડયંત્ર કરી અહીંયા મજાર ઉભી કરવામાં આવી હતી. ત્યારે આ જગ્યા સરકારની હોવાથી તેને કોઈ પણ રીતે પચાવી ન લેવાય તે માટે આજે કોર્પોરેશન દ્વારા આ મજારનું દબાણ હટાવવામાં આવી રહ્યું છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )