Published by : Vanshika Gor
- રજીસ્ટ્રેશન બાદ સિલેક્ટ થયેલા મહેમાનો સ્પેશ્યલ ટ્રેન વડે ગુજરાતમાં આવશે
- મહેમાનો સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોની લેશે મુલાકાત
ચેન્નઈ ખાતે ગત ૧૯મી માર્ચે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમની જાહેરાત કરી તેના લોગો, થીમ સોન્ગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ થયાના ૨૪ કલાકમા ૧૦ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરી આ સંગમને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રસિદ્ધ ગાયક સુદેશ ભોસલે દ્વારા ગુજરાતી, હિન્દી અને તમિલ ભાષામાં ગવાયેલું સંગમનું થીમ સોંગ પણ સોશીયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યું છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત ૧૫ દિવસના આ પ્રવાસમાં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન બાદ સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે ગુજરાતમાં લાવવામાં આવશે. આ મહેમાનો ગુજરાતમાં સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જેવા સ્થળોની મુલાકાત લેશે. આ કાર્યક્રમના મુખ્ય સ્થળ સોમનાથ ખાતે ૧૫ દિવસ દરમિયાન કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ – વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
લગભગ ૬૦૦ થી ૧૦૦૦ વર્ષ પહેલાંના સમયગાળા વચ્ચે થયેલા આક્રમણોને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને અનેક લોકો તમિલનાડુના મદુરાઈની આસપાસના જિલ્લાઓમાં સ્થાયી થાય હતા, જે આજે પણ તમિલ સૌરાષ્ટ્રિયન તરીકે ઓળખાય છે. આ લોકોને ફરી પોતાના પૂર્વજોના વતન સાથે રૂબરૂ કરાવવા તેમજ ઉદ્યોગ, હાથ વણાટ, શિક્ષણ, સંસ્કૃતિ અને રમત-ગમતને આવરી લેવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ સદીઓના અંતરાલ પછી આ લોકોનું સૌરાષ્ટ્ર સાથેનું અનોખું પુનઃમિલન હશે, જે એક ઐતિહાસિક ઘટના હશે.