Published by: Rana kajal
ફાઈન આર્ટસ કોલેજના પુર્વ વિદ્યાર્થીઓએ લોગો તૈયાર કર્યોં.વડોદરાની આગવી ઓળખ અને ભરૂચ જિલ્લામાં પણ જાણીતી ઍવી સયાજી હોસ્પિટલને 158વર્ષ બાદ નવો લોગો પ્રાપ્ત થયો છે… સયાજી હોસ્પિટલનો નવો લોગો ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીએ લોગો બનાવ્યો અને તેને વર્તમાન શિક્ષકોએ પાસ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં જાણીતી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અને વડોદરા શહેરમાં કાર્યરત એવી સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલને 158 વર્ષ બાદ તેની ઓળખ સમાન પ્રતીક એટલે કે લોગો પ્રાપ્ત થયો છે. સયાજી હોસ્પિટલમાં ગુરુવારે તેનું મહારાણી રાધિકારાજે ગાયકવાડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સયાજી હોસ્પિટલ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે હોસ્પિટલનો લોગો બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. જે અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, લોગો નક્કી કરવા નવ મહિનાની કવાયત થઈ છે લોગો તૈયાર કરવા માટે કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં 45 એન્ટ્રી આવી હતી.
આ પૈકી ત્રણ એન્ટ્રી ફાઇનલ થયા બાદ મેઘલ મહેતાનો લોગો પ્રથમ વિજેતા તરીકે સ્વિકારાયો છે. ફાઇન આર્ટ્સના કશ્યપ પરીખ અને જયરામ પોડવાલે વિજેતા નક્કી કર્યા હતા. લોગો તૈયાર કરનાર ફાઇન આર્ટ્સમાં જ ભણી ચૂકેલા છે. રોટરી ક્લબ દ્વારા ગુરુવારે લોકાર્પણ સમયે 11000નું ઇનામ આપવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા દરેક જગ્યાએ આ લોગોનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. હોસ્પિટલના કર્મચારીઓએ પણ બ્રોચ તરીકે લોગો પહેરવાનું શરૂ કર્યું છે.જ્યારે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, વર્ષ 1865થી શરૂ થયેલી હોસ્પિટલમાં નાગરિકોની સુખાકારી અને આરોગ્યની જરૂરિયાત મુજબ આધુનિકીકરણ થતું રહ્યું છે. ડેફિન તરીકે ઓળખાતી હોસ્પિટલ 1936 પછી સર સયાજીરાવ હોસ્પિટલ તરીકે ઓળખાઇ જેનું આધુનિકીકરણ ચાલું છે.




