- 20 દિવસ ભૂખ્યા તરસ્યા રહી ફૂટપાથ પર સમય વિતાવ્યો
- અલ્પેશ મેવાડા નામનાં લોન એજન્ટે મકાન રી ટ્રાન્સફર કરાવવાનાં બહાને 17 લાખ રૂ. પડાવી લઇ અમને મરવા મજબૂર કર્યા
- બાળકોનો ચહેરો જોઇ મરવાનું માંડી વાળ્યું અને પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું
વડોદરા શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતો જોષી પરિવાર ગુમ થયાના 20 દિવસ બાદ પરત ફર્યો.
વડોદરા શહેરનાં ડભોઇ રોડ વિસ્તારમાં કપુરાઇ ચોકડી પાસેનાં કાન્હા હાઇટ્સમાં રહેતાં અને વ્યવસાયે શિક્ષક રાહુલ જોશી તેમની પત્ની નીતા જોશી અને બે બાળકો સાથે 20 સપ્ટેમ્બરનાં રોજ ઘરેથી નિકળી ગયાં હતાં.દેવાનાં ડુંગર તળે દબાઇ ગયા હોવાથી હવે આપઘાત જ એકમાત્ર રસ્તો હોવાનું નક્કી કરી આ આખોયે પરિવાર રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયો હતો.ગુમ થતાં અગાઉ પરિવારનાં મોભી રાહુલ જોશીએ 12 પાનાંની એક ચીઠ્ઠી પણ લખી તેને મોબાઇલ ફોન સાથે ઘરમાં જ છોડી ગયાં હતાં. પરિવાર ગુમ થયાની જાણ ડભોઇમાં રહેતાં તેમનાં પરિવારજનોએ વડોદરા પોલીસને કરી હતી. જેથી પાણીગેટ પોલીસે પરિવારનાં ચાર સભ્યો ગુમ થયા અંગેની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
બનાવનાં 20 દિવસ બાદ આજે અચાનક જોશી પરિવાર પોતાનાં ઘરે પરત ફર્યો હતો.જેથી પોલીસ ઘરે પરત ફરેલાં રાહુલ જોશી અને તેમનાં પત્ની નીતા જોશી તેમજ બંને સંતાનો સહિત સમગ્ર પરિવારને પુછપરછ માટે પાણીગેટ પોલીસ મથક લઇ ગઇ હતી. જ્યાં પરિવારે તેમનાં ગુમ થવાં પાછળનાં કારણો અને તેની માટે જવાબદાર શખ્સના નામ પરથી પડદો ઊંચક્યો હતો..
રાહુલ જોશી અને તેમનાં પત્ની નીતા જોશીએ જણાવ્યું હતું કે, પોતાને બેંકનો લોન એજન્ટ ગણાવતાં અલ્પેશ મેવાડા નામનાં શખ્સે તેમનું મકાન રી-ટ્રાન્સફર કરાવી આપવાનાં બહાને ટુકડે ટુકડે કરી તેમની પાસેથી 17 લાખ રૂ.પડાવી લીધા હતાં.એટલું જ નહીં આ 17 લાખ પૈકી તેમને આપેલાં કેટલીક રકમનાં ચેક બાઉન્સ કરાવી અલ્પેશ મેવાડા વારંવાર પરિવારને જેલ કરાવવાની ધમકી પણ આપતો હતો. પરિવારે આ અંગે પોલીસને જાણ કરવાનું પણ વિચાર્યું હતું.. પરંતુ અલ્પેશ મેવાડા પોતે વગ ધરાવતો હોવાનું અને પોલીસ અધિકારીઓ પોતાનાં ખિસ્સામાં હોવાની શેખી મારતો હતો.. જેથી મેવાડાનાં માનસિક ત્રાસથી કંટાળેલા જોશી પરિવારે આખરે સામુહિક આપઘાત કરવાનું નક્કી કર્યું હતું.
દરમ્યાન પોતાનાં બંને સંતાનોનાં ભવિષ્ય વિશે વિચારીને થયું કે આપઘાત એ ઉકેલ નથી.પાણીગેટ પોલીસ હવે એ નામો અને તેમની ભુમિકા અંગે પણ જોશી પરિવારની પુછપરછ કરી રહી છે આ મામલામાં વડોદરા પોલીસ જોશી પરીવારને અંતિમ પગલું ભરવા સુધી મજબૂર કરનારા શખ્સો સામે શું કાર્યવાહી કરે છે, તે જોવું રહેશે.