ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી મંગળવારે 95 વર્ષના થયા. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે જઈને અભિનંદન પાઠવ્યા હતા. લગભગ 40 મિનિટ સુધી મોદી તેમની સાથે રહ્યા અને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત રાજનાથ સિંહ પણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા. રાજનાથ સિંહે અડવાણી સાથેનો ફોટો ટ્વિટ કર્યું- ‘હું ભગવાનને તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરું છું.’
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અડવાણીએ તેમના અથાક પ્રયાસોથી દેશભરમાં પાર્ટી સંગઠનને મજબૂત કર્યું. સરકારમાં રહેતા તેમણે દેશના વિકાસમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. શાહે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પાર્થના કરતા શુભેચ્છા પાઠવી હતી.
રાજનાથે કહ્યું- અડવાણીની ગણતરી મોટી હસ્તીઓમાં થાય છે
રાજનાથ સિંહે કહ્યું કે અડવાણીએ દેશ, સમાજ અને પાર્ટી માટે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની ગણતરી દેશની સૌથી મોટી હસ્તીઓમાં થાય છે.
અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો
અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં થયો હતો. 2002 અને 2004 ની વચ્ચે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 7મા નાયબ વડાપ્રધાન રહ્યા હતા. આ પહેલા તેઓ 1998 થી 2004 સુધી એનડીએ સરકારમાં ગૃહમંત્રી હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંથી એક છે. તેમને 2015માં પદ્મ વિભૂષણ મળ્યું હતું.
અડવાણીના દરેક જન્મદિવસ પર પીએમ મોદી તેમના ઘરે જઈને તેમને અભિનંદન પાઠવે છે. ભાજપના નેતાઓ સાથે PM કેક પણ કપાવે છે.ગયા જન્મદિવસે પણ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ સવારે અલગ-અલગ અડવાણીના ઘરે પહોંચ્યા હતા.
બંનેએ તેમની સાથે લગભગ અડધો કલાક વિતાવ્યો હતો. આ દરમિયાન પીએમએ જૂના દિવસોની બે-ત્રણ વાતો સંભળાવી. યાદ કરતા કહ્યું કે સંગઠનના વિસ્તરણ માટે તેઓ અને અડવાણીજી કેવી રીતે સાથે કામ કરતા હતા. વડાપ્રધાનની વાત દરમિયાન અડવાણી મૌન હતા. અંતમાં તેઓ માત્ર એક જ શબ્દ બોલાયા હતા- આભાર.




