ભારતિય સંસ્કૃતિ અને સંસ્કાર મૂજબ નાના બાળકોના ઉછેરમાં આગવી ભૂમિકા હોય છે. હવે આ બાબતને વેજ્ઞાનિક સમર્થન પ્રાપ્ત થયું છે. સર્વે મુજબ દાદા, દાદી તેમજ નાના અને નાનીનો પ્રેમ અને હૂફ મેળવનાર બાળકો ખુબ સારો વિકાસ કરે છે.
સ્ટૉકહોમ – સ્ટડી દર્શાવે છે કે જે બાળકોને દાદા-દાદી, નાના-નાનીનો પ્રેમ મળ્યો હોય છે તેઓ મોટાં થઇને વધુ સંસ્કારી, સમજદાર અને આત્મવિશ્વાસ ધરાવતાં હોય છે. હવે ભારત સહિત દુનિયાભરમાં બાળકોને દાદા-દાદીઓનો વધુ સાથ મળે છે. ઇતિહાસમાં પહેલી વાર બાળકોના ગુણોત્તરમાં દાદા-દાદીની સંખ્યા સૌથી વધુ છે. 1960ની તુલનાએ સરેરાશ ઉંમર 51થી વધીને 72 થઇ ચૂકી છે, જ્યારે બાળકોનો જન્મદર 5થી ઘટીને 2.4 થઇ ચૂક્યો છે.જોકે દરેક દેશ અને સમાજમાં આ દર અલગ અલગ છે. જર્મનીના મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચના ડિએગો અલ્બુર્ઝ ગુટિયેરેઝ જણાવે છે કે – દુનિયામાં અત્યારે 150 કરોડ વૃદ્ધ છે. તેઓ પરિવારના બાળકોના સારા ઉછેર ઉપરાંત વધુ એક ક્રાંતિનું કારણ બની રહ્યાં છે. તેને કારણે મહિલાઓનો વર્કફોર્સમાં હિસ્સો વધ્યો છે.
બાળકોના ઉછેરમાં દાદા-દાદીઓની મદદથી મહિલાઓ પર પેરેન્ટિંગની જવાબદારી ઘટી છે અને તેઓ ઘરથી બહાર નીકળીને કામ કરવા માટે પ્રોત્સાહિત છે. ભારતમાં સાસુના નિધન બાદ 10% પુત્રવધુઓ નોકરી છોડવા મજબૂર થાય છે. વાસ્તવમાં ભારતમાં દાદા-દાદી યુવા મહિલાઓને પ્રગતિના અવસર પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે.રિસર્ચ દર્શાવે છે કે દાદા-દાદીના નિધન બાદ મેક્સિકોમાં 27% મહિલાઓએ નોકરી છોડવી પડે છે. આવક 53% ઘટે છે. યુનિવર્સિટી ઓફ મેનિટોબાના જેનિસ કેંપટન તેમજ વોશિંગ્ટન યુનિવર્સિટીના રોબર્ટ પોલકે અમેરિકન વસતીના આંકડાઓનું આકલન કર્યું હતું. તેમના અનુસાર જો દાદા-દાદી અથવા નાના-નાની 40 કિ.મીની અંદર રહે છે તો વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 10% સુધી વધી જાય છે.
તે સાથે ગામ્બિયાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષના બાળકોની જીવિત રહેવાની સંભાવના સૌથી વધુ દાદા-દાદીના ઉછેર પર નિર્ભર કરે છે. આફિકન દેશોમાં દાદા-નાના સાથે રહેતા બાળકોની સ્કૂલ જવાની સંભાવના 15% વધુ હોય છે.તેમજ બ્રાઝિલમાં થયેલા એક સરવે અનુસાર જે પરિવારોમાં બાળકોની સંભાળ દાદા-દાદી રાખે છે, તેઓ નોકરી કે પ્રગતિની તકની શોધમાં બીજા શહેરોમાં ઓછા જાય છે.




