Published By: Parul Patel
- ✍️ આપણો દેશ – લોકશાહી કઈ દિશા તરફ જઈ રહી છે?? લોકશાહીની ચોથી જાગીરને પણ ભ્રષ્ટાચાર નો ભયાનક ભોરિંગ આમ જ ખતમ કરશે??
- ✍️ અભિવ્યક્તિની આઝાદી પર લગામ, મીડિયાનું ગોદીકરણ, પછી મીડિયાદ્વારા ખુલ્લું બ્લેકમેંઇલિંગ,આપણે ક્યાં જઈ રહ્યા છે ??
- ✍️ અંકલેશ્વરના ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માંગનાર 4 પત્રકારોમાં ભાજપ IT સેલનો સભ્ય પણ??
લોકશાહીનો ચોથો સ્થમ્ભ એટલે ચોથી જાગીર, પત્રકારત્વ. પત્રકારત્વ જેટલું નીડર, નિષ્પક્ષ અને શુદ્ધ એટલી લાકશાહી પરિપક્વ, મજબૂત અને જનહિતકારી કહેવાય. ભારત જેવા પ્રથમ હરોળના સહુથી મોટી લોકશાહીવાળા દેશમાં પત્રકારત્વ તો પાયાની ચેતના, જાગૃતિ અને ન્યાય અપાવનારું મુખ્ય પરિબળ કહેવાય. આઝાદી અપાવવામાં અહમ ભૂમિકા ભજવનાર પત્રિકાઓ ‘હરિજન બંધુ’ અને ‘દાંડિયા’ થી શરૂ થયેલા પવિત્ર, શશક્ત-પ્રભાવી પત્રકારત્વનું આઝાદીના 75માં વર્ષે, જે રીતે અધઃપતન આપણે જોઈ રહ્યા છે, એ હૈયાને હચમચાવી જ નહીં કલ્પાંત કરાવી દે તેવું ભયાનક દર્દ ઉપજાવનારું બની ગયું છે…જે મીડિયાની જવાબદારી લોકશાહીમાં પ્રજાને, પ્રકાશ અને શ્રદ્ધા, ન્યાય, વિશ્વાસની જ્યોત જગાડવાની છે, એજ મીડિયા બિકાઉ કે ભ્રષ્ટ, હપ્તાબાજ અને બ્લેકમૈલિંગ, ખંડણી ખોરી સુધી પહોંચી જાય ત્યારે શરમથી ગરદન નહીં, કમ્મર સુધીનો ભાગ જ બેવડ બની જાય એ સ્વભાવિક છે…
હું યુ ટ્યૂબ ઉપર પુણ્યપ્રસન્ન બાજપાઈ અને શર્માજીનો વાર્તાલાપ ગોદી મીડિયા પર એકાગ્રતા પૂર્વક સાંભળતો હતો, કે ઇમરજન્સી વખતે જે એક મોટા મીડિયાએ છાતી કાઢી લોકશાહીની લાજ સાચવી, એવા મોટા માથાએ પણ જાહેરમાં PM સાહેબનો પોતાની દુકાન (પત્રકારત્વ) ચલાવવા સ્ટેજ પર ઋણ સ્વીકાર/આભાર માન્યો, વર્તમાન સમયમાં દેશનો 80-90% મીડિયા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના હાથમાં છે, એમના વ્યવસાયનો પ્રત્યક્ષ કે પરોક્ષ એક ભાગ બની ચુક્યો છે…લોકશાહીનો આ ચોથો સ્તંભ આઝાદીના 75 વર્ષમાં “વ્યાપારી” બની ગયો છે. એવું કહેવું જરાય ખોટું નથી. પુણ્યપ્રસન્ન બાજપાઈનું કહેવું છે કે, જો આવું જ ચાલ્યું તો 2024 પછી માત્ર દેશમાં જાહેરાત મીડિયા જ બચી રહેશે-બની જશે…ખેર, આ તો રાષ્ટ્ર કક્ષાની વાતો છે, અને ભારતની રક્ષા, માં ભારતી કરે જ છે એટલે બધું સારું જ થશે…
પણ 3-4 દિવસ પહેલા રાત્રે અંકલેશ્વરથી ઢળતી સાંજે મારા રિપોર્ટરનો મોબાઈલ આવ્યો કે સાહેબ, અંકલેશ્વર GIDC માંથી એક ઉદ્યોગપતિ પાસે 2 લાખની ખંડણી માગનાર 4 કહેવાતા પત્રકારોને પોલીસે પકડ્યા છે, શુ કરીશું..? મેં તરત કહ્યું કે એમનો ભંડો ફોડો અને કાયદેસર કાર્યવાહી માટે બનતું બધું જ કરો. આખા મામલામાં AIA ના પ્રમુખ અને ત્યાંના ઉદ્યોગપતિઓની હિંમતના કારણે પત્રકારત્વ અને પત્રકારોને સરેઆમ બદનામ કરનારાઓ સામે પોલીસે કડક પગલાં લીધા. ચારે જણા સામે ખંડણી માંગવાનો ગંભીર ગુન્હો પણ નોંધાયો છે…એટલું જ નહીં, આવા તત્વોને ખુલ્લા પાડવા સ્થાનિક ચેનલો સહિત નાના મોટા અખબારોએ પણ એક બની સમાચારો પ્રકાશિત કરી, આવા તત્વો સામે લાલબત્તી ધરી છે. ખોટા કર્મો, ધંધાને ખુલ્લા પડનારાઓ જ જો આવું વર્તન કરે તો ન્યાય ઇચ્છનારે જવું ક્યાં?? આ આખી ઘટના જો કે બે ત્રણ નાના છાપાઓએ દિલ લગાવીને ખુલ્લી કરી છે અને એમના કટિંગ્સ પણ મેં આ બ્લોગમાં એમની હિંમતને બિરદાવતા મુક્યા છે…પણ આ ક્ષેત્રને પવિત્ર રાખવાની ફરજ આખા સમાજની છે…માત્ર પોલીસ કે મીડિયાની ફરજ નથી. હિંમતથી પ્રતિકાર કરનાર સાચો નાગરિક હમેશા જીતે જ છે. પણ ખોટું કરનારાઓ પોતાના પાપ છુપાવવા, સજા-ગુન્હાથી બચવા બેફામ રૂપિયા આવા તત્વોને આપીને, પોતાનું તો ખરું જ, પણ સાથે દેશ, સમાજ અને આ લોકશાહીના સૈનિક જેવા પત્રકારના વ્યવસાયને પણ ભ્રષ્ટ કરે છે…મીડિયા જો નેતાઓ, અધિકારીઓના ભ્રષ્ટાચાર, કૌભાંડોને બહાર લાવતું હોય, જો એ તેનું કર્તવ્ય-ધર્મ હોય, તો આ તો એમના જ વ્યવસાયને બદનામ કરતી દુષપ્રવૃત્તિ છે, જેને દાબવી જ પડે…
આ લખતાં લખતાં મને 2005માં અમારી વિરુદ્ધનું આંતરિક યુદ્ધ અને ષડ્યંત્ર યાદ આવી ગયું, આક્ષેપો અને ગાળો વચ્ચે પણ ચેનલ નર્મદાની ટીમે જે મજબૂતીથી એનો પ્રતિકાર કર્યો, તો આજે પણ ચેનલ નર્મદા 25માં વર્ષે અડીખમ ઉભી છે, અને ષડ્યંત્રકારીઓ હાર્યા છે…પત્રકારત્વને ભલે કોઈ નાનકડો વ્યક્તિ એક વ્યવસાય તરીકે થોડી બાંધ છોડ કરી ને ચલાવે, જાહેરાતોથી પણ પ્રામાણિકતા પૂર્વક ચલાવે, પણ એને કોઈ બ્લેકમૈલિંગ કે ખંડણી અને હપ્તાબાજી કરે ત્યારે જો કોઈ ગુન્હેગાર પણ હોય તો તેણે પણ એક તબક્કે આ વ્યવસાયને બચાવવા પણ ‘સરન્ડર’ તો ના જ થવું જોઈએ, અને યોગ્ય પ્રતિકાર કરવો જ જોઈએ. મારા કેટલાક પત્રકારમિત્રોને આ બ્લોગ નહીં ગમે, પણ જો સાફ નિયતથી મેહનત કરવામાં આવે, તો જરૂર સફળતા અને લક્ષ્મી મળતી જ હોય છે, એવી મારી દ્રઢ માન્યતા અને સ્વ અનુભવ છે…એમાંથી જ પૈસો અને પ્રતિષ્ઠા મળે જ છે…એક પત્રકારમાંથી દેશને ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓ પણ બન્યા છે, દેશને મળ્યા જ છે, અરે ભરૂચ જિલ્લામાં પણ આવા ઉદાહરણો ઉપલબ્ધ છે જ. બીજી બે વાત આઘાત જનક એ લાગી કે,એક તો આ કાવતરામાં એક મહિલાએ આખા કાંડની લીડરશીપ લીધી છે, જે કરોડપતિ બનવાના સપનાઓમાં રાચે છે, બીજું, આ ખંડણી ખોરીમાં પણ પાછા રાજકિય બે માથા સંડોવાયેલા જોવા મળ્યા.
ભાજપના IT સેલનો એક સભ્ય અને SC, ST સેલનો પ્રમુખ પણ…??!! આ બેવડું પીઠ બળ હોવા છતાં પોલીસે જે હિંમત પૂર્વક પગલાં લીધા એ પણ ખરેખર પ્રશંસનીય છે. આવા તત્વોને નાથવા પોલિસ પણ મજબૂતી થી બહાર આવે, પગલાં લે એ અનિવાર્ય છે. કેટલાક તો પોલીસના સ્વાંગમાં પણ તોડબાજી કરતા હોય છે, એટલે ખુદના ક્ષેત્રને પણ પવિત્ર રાખવા પોલીસે, શોધી શોધીને આવા તત્વોને સાફ કરવા જ જોઈએ…હા, આ અતિ કઠિન છે, કારણકે આ દેશમાં ઘણી જગ્યાએ તો ત્રણ “P” ની ત્રિપુટી એક સાથે પણ એક ટીમ બનીને કામ કરતી હોય છે!!! એ દેશ, લોકશાહી માટે અતિ ઘાતક છે…પણ એવુ જવલ્લે જ બનતું હોય છે…વિશ્વ કહે છે ને કે આ દેશ ઈશ્વર ભરોસે જ ચાલે છે તો હું પણ એની શક્તિને સ્વીકારું છું અને જે પણ પવિત્ર,વફાદાર, સનિષ્ઠ જીવો, સાચા સંતો વિભૂતિઓના જોરે આ દેશ શક્તિશાળી રહ્યો છે, ચાલી રહ્યો છે, અને રહેશે, એ શ્રદ્ધા ઘણાની મજબૂત છે (આ અગત્યની ખુદના ફિલ્ડની જ મેટર હોઈ ઝગડીયાના ક્રમશઃ શ્રેણી ની વચ્ચે મેં આ બ્લોગ લઈ લીધો છે, રસ ભંગ થયો હોય તો ક્ષમા યાચના.)