- મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય તેમ છતા સીંગનું નામ આવે એટલે ભરૂચનું નામ આવે…
ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી ખારીસીંગ વિશ્વભરમાં જાણીતી છે.
મગફળીનું ઉત્પાદન સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં થાય છે. પરંતુ એમાંથી બનતી ખારીસીંગ સમગ્ર વિશ્વમાં ભરૂચની પ્રખ્યાત છે. અને તેનું કારણ ભરૂચના ભાગોળમાંથી વહેતી નર્મદા કિનારેથી મળતી માટી છે આ માટીમાં સીંગને પકવવાથી સામાન્ય સીંગ ભરૂચની ખરીસીંગ એટલે કે ભરૂચની બદામ બની જાય છે.
ભરૂચની ખારીસીંગ વિશ્વભરમાં પ્રખ્યાત
ખારીસીંગનું નામ આવે એટલે ભરૂચનું નામ લેવાય. ભરૂચની ખારીસીંગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભરૂચ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવતું નથી. મગફળીને સૌરાષ્ટ્રથી આયાત કરીને લાવવામાં આવે છે. તેમ છતા સીંગ તો ભરૂચની જ એમ કહેવાય છે. ભરૂચના કારીગરોની કળાએ ખારીસીંગને પ્રખ્યાત બનાવી છે. ભરૂચના કારીગરોએ સીંગના દાણાને લાલમાંથી સફેદ બનાવવામાં આવે છે. ભરૂચ નર્મદા નદી કિનારાના પટ પર આવેલું હોવાથી સૌરાષ્ટ્રથી આવેલ સીંગને નદીની પીળી માટીમાં શેકવામાં આવે છે.

વર્ષ 1932થી જય ખારીસીંગ સેન્ટર ખાતે ખારીસીંગનું વેચાણ
ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં આવેલ જય ખારીસિંગ સેન્ટર ખાતે વર્ષ 1932થી ખારીસીંગનું વેચાણ કરવામાં આવે છે. રાજેન્દ્ર ઠાકોરભાઈ ચણાવાલા વર્ષોથી ખારીસીંગને ભઠ્ઠીમાં શેકી તેને પેક કરી તેનું વેચાણ કરે છે. તેઓએ અભ્યાસમાં પાંચ ચોપડી ભણ્યા છે. રાજેન્દ્રભાઈ તેઓના બાપદાદાનો ધંધો સંભાળી રહ્યા છે.
ખારીસીંગની દેશ-વિદેશમાં નિકાસ
ભરૂચની ખારીસીંગ મોટી મોટી દુકાનોમાં દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. હાલ તો ખારીસીંગમાં પણ અલગ અલગ પ્રકારની વેરાઈટી આવી છે. જેમાં નારિયેળવાળી સીંગ, ચોકલેટ સીંગ, હાજમા સીંગ સહિતની સીંગનો સમાવેશ કરવામાં આવે છે.




