- પાંડવોને શ્રીકૃષ્ણે અનંત ચૌદશનું વ્રત કરવા સલાહ આપી હતી
- બ્રહ્મપુરાણ અને મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે, એટલે ઘરમાં જ વિસર્જન કરો
આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. માટીની ગણેશમૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવું જોઈએ. કોઈ નદી કે તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરવું નહીં. આવું કરવાથી નદી-તળાવમાં ગંદકી વધે છે અને ગણેશજીની પ્રતિમા ગંદકીમાં વિસર્જિત થવાથી આપણને દોષ લાગે છે.
ગણેશવિસર્જન સાથે દસ દિવસના ગણેશોત્સવનું સમાપન થાય છે. એવું માનવામાં આવે છે કે મહાભારતમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચૌદશના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ઘરમાં જ કોઈ મોટા વાસણમાં કે કુંડામાં ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઇએ. અનંત ચૌદશનું વ્રત ધન, સંતાનની કામના સાથે કરવામાં આવે છે.
વિસર્જનનું મહત્ત્વ
ભગવાન ગણેશજી જળતત્ત્વના અધિપતિ દેવતા છે, એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે. જળ પંચ તત્ત્વોમાંથી એક છે. એમાં મિશ્રિત થઇને પ્રાણપ્રતિષ્ઠિત ગણેશમૂર્તિ પંચ તત્ત્વોમાં સમાહિત થઇને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઇ જાય છે. જળમાં મૂર્તિવિસર્જનથી એવું માનવામાં આવે છે કે જળમાં મિક્સ થઇને પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ પરમાત્માનું એકાકાર થવાનું પ્રતીક પણ છે.
માટીના ગણપતિનું ઘરમાં જ વિસર્જન
વર્ષોથી માટીના ગણેશ-ઘરમાં જ વિસર્જન અભિયાન ચલાવી રહ્યું છે. તેનો મૂળ ઉદેશ એ જ છે કે આપણે આપણાં તળાવ અને નદીઓને પ્રદૂષિત થતાં બચાવી શકીએ, એટલે તમે ઘર અથવા સોસાયટીમાં કુંડ બનાવીને વિસર્જન કરો અને એ પવિત્ર માટીમાં એેક છોડ વાવી દો, જેથી તમને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમની યાદ પણ ઘરના ફળિયામાં મહેકતી રહેશે. આ છોડ મોટો થઇને પર્યાવરણમાં યોગદાન આપશે, સાથે જ ઘરમાં નવી સમૃદ્ધ પરંપરાનું સંચાર થશે.
પૂજા વિધિ અને મંત્ર
સવારે જલદી જાગીને સ્નાન કરો અને માટીના ગણેશજીની પૂજા કરો. ચંદન, ચોખા, મોલી, અબીલ, ગુલાલ, સિંદૂર, અત્તર, જનોઈ ચઢાવો. ત્યાર બાદ ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. 21 લાડવાનો ભોગ ધરાવો. પછી કપૂરથી ભગવાન શ્રીગણેશની આરતી કરો. ત્યાર બાદ પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચી દો.
મહાભારતકાળમાં વ્રતની શરૂઆત થઈ
મહાભારતકાળમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન-વન ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને રાજ્ય પાછું મેળવવા માટે અનંત ચૌદશ વ્રત કરવા માટે કહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે અનંત ભગવાનનું વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો તથા તેઓ ચિરકાળ(કાયમ) સુધી રાજ્ય કરતા રહ્યા.