Published by : Rana Kajal
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ રાજકીય સ્તરે અસાધારણ દેખાવ કરી રહ્યો છે. પક્ષને મળી રહેલા દાન પરથી આ બાબત સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કંપનીઓ અને લોકો અન્ય પક્ષો કરતાં ભાજપને વધુ દાન આપવામાં વિશ્વાસ કરે છે. નાણાકીય વર્ષ 2021-22માં ભાજપને ઈલેક્ટોરલ ટ્રસ્ટ મારફત સૌથી વધુ રૂ. 351.50 કરોડનું દાન મળ્યું છે જ્યારે સૌથી જૂના પક્ષ કોંગ્રેસને માત્ર રૂ. 18 કરોડનું દાન મળ્યું છે. આ સાથે રાષ્ટ્રીય પક્ષોને મળનારા દાનમાં કોંગ્રેસ તળીયે પહોંચી ગઈ છે.
ભાજપને નાણાકીય વર્ષ 2021-22માં વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટો મારફત સૌથી વધુ રૂ. 351.50 કરોડનું દાન મળ્યું છે. દેશમાં બધા જ પક્ષોને મળેલા કુલ દાનમાં ભાજપનો હિસ્સો 72.17 ટકા હોવાનું દર્શાવે છે. બીજીબાજુ દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસને વર્ષ દરમિયાન માત્ર રૂ. 18.43 કરોડનું દાન મળ્યું છે. કોંગ્રેસને નાના પક્ષો ટીઆરએસ, સમાજવાદી પાર્ટી, આપ અને વાયએસઆર કોંગ્રેસ કરતાં પણ ઓછું દાન મળ્યું છે.
એડીઆરના રિપોર્ટ મુજબ 2021-22માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ મારફત કોંગ્રેસ કરતાં ભાજપને 19 ગણુ વધુ દાન મળ્યું છે. વધુમાં ભાજપને મળેલું કુલ દાન અન્ય નવ રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાન કરતાં અઢી ગણુ વધુ છે. એડીઆરે ઈલેક્ટોરલ ટ્રસ્ટનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે ટ્રસ્ટ મારફત કોંગ્રેસને સૌથી ઓછું રૂ. 18.44 કરોડ જેટલું દાન મળ્યું છે જ્યારે ટીઆરએસને રૂ. 40 કરોડ, સમાજવાદી પાર્ટીને રૂ. 27 કરોડ, આમ આદમી પાર્ટીને રૂ. 21.12 કરોડ અને વાયએસઆર કોંગ્રેસને રૂ. 20 કરોડનું દાન મળ્યું છે. રિપોર્ટ મુજબ વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટ મારફત શિરોમણી અકાલી દળને રૂ. 7 કરોડ, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીને રૂ. 1 કરોડ, ગોવા ફોરવર્ડ પાર્ટી અને ડીએમકેને રૂ. 50-50 લાખ મળ્યા છે.




