વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7% કર્યું છે. અગાઉ જૂનમાં 7.8 ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, નાણાકીય વર્ષ 2023-24 માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.7% કરવામાં આવ્યો છે, જે અગાઉ 7.4% હતો.
ફિચે કહ્યું છે કે નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 13.5% વાર્ષિક વૃદ્ધિ સાથે અર્થતંત્રમાં સુધારો થયો છે, પરંતુ આ 18.5% વૃદ્ધિના અમારા અંદાજ કરતાં ઓછો છે. સિઝનલી એડજસ્ટેડ અંદાજ ત્રિમાસિક ધોરણે 3.3% નો ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ, વધતી જતી ફુગાવો અને કડક નાણાકીય નીતિને જોતાં અર્થતંત્રમાં મંદીની આશંકા છે.
RBI રેપો રેટમાં વધુ વધારો કરશે
ફિચના મતે આરબીઆઈ વર્ષના અંત પહેલા રેપો રેટ વધારીને 5.90% કરશે. આરબીઆઈનો ભાર મોંઘવારી ઘટાડવા પર છે. ભારતમાં વ્યાજદર ટૂંક સમયમાં જ પીક પર પહોંચશે અને આવતા વર્ષે 6 ટકા પર રહેશે તેમ ફિચે ઉમેર્યું હતુ. વૈશ્વિક વૃદ્ધિના સંદર્ભમાં, ફિચે કહ્યું કે 2022માં વિશ્વ GDP વૃદ્ધિ 2.4% રહેવાની અપેક્ષા રાખે છે. જે અગાઉના અંદાજ કરતાં 0.5% નીચી છે. તે જ સમયે, 2023 માટે વૃદ્ધિનું અનુમાન 1% ઘટાડીને 1.7% કરવામાં આવ્યું છે.
ફિચે જણાવ્યું હતું કે યુરોઝોન અને યુનાઇટેડ કિંગડમમાં આ વર્ષના અંતમાં મંદી જોઈ શકે છે અને એવી અપેક્ષા છે કે યુએસ 2023ના મધ્યમાં હળવી મંદી અનુભવી શકે છે.અમેરિકાનો વૃદ્ધિ દર 2022 માટેનો અંદાજ 1.2 ટકા ઘટાડીને 1.7 ટકા અને 2023 માટે 0.5 ટકા ઘટાડીને 1.0 ટકા કરવામાં આવ્યો છે.