Published by : Rana Kajal
- સુરતના વ્યાજખોરે ભરૂચના ઓળખીતા સાથે મળી ગોડાઉન લખાવી લીધું
- કોરો ચેક 4.50 લાખની રકમ ભરી સુરત કોર્ટમાં નોંધાવી ફરિયાદ
ભરૂચના લિંક રોડ પર રહેતી બેંક રિલેશનશિપ મેનેજરે 6 વર્ષ પેહલા સસરાએ લીધેલા વ્યાજે નાણાં સામે હેરાનગતિ કરતા સુરતના વ્યાજખોર સહિત બે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ શ્રવણ ચોકડી નજીક રામનગર સોસાયટીમાં સંયુક્ત કુટુંબમાં દિપાલી બેન ભાર્ગવ મિસ્ત્રી રહે છે. તેઓના પતિ શાકભાજીનો હોલસેલનો વેપાર કરે છે.
વર્ષ 2016 માં સસરા મગનભાઈને પૈસાની જરૂર પડતા લાલબજાર ખાતે રહેતા રમેશ ગણપતલાલ સોનીએ સુરતના ઉધનાના વ્યાજનો ધંધો કરતા અનિલ વસંત સોલંકીનો સંપર્ક કરાવ્યો હતો.
સુરતથી અનિલ સોલંકી ભરૂચ આવી એક લાખ રૂપિયા આપ્યા હતા. જેની સામે તેઓનું ગોડાઉન લખાવી લઈ પુત્રવધુ દિપાલી બેન બેંકમાં રિલેશનશિપ મેનેજર હોય તેઓનો કોરો ચેક પણ લીધો હતો.
પરિવારે NEFT, IMPS, આંગડિયા મારફતે તેમજ રૂબરૂ રોકડા મળી 2017 સુધીમાં કુલ 1.50 લાખ ચૂકવી આપ્યા હતા. દરમ્યાન સસરાનું પણ અવસાન થયું હતું.
જોકે અનિલ સોલંકીએ કોરો ચેકમાં 4.50 લાખ ભરી તે બાઉન્સ કરાવી સુરત કોર્ટમાં કેસ કર્યો હતો. દરમિયાન નાણાં માટે પુત્રવધુની બેંક ઉપર બન્ને આરોપી અવારનવાર આવી તેમજ ફોન કરી હેરાનગતિ કરતા હતા.
અંતે દીપાલિબેન દ્વારા સુરતના વ્યાજખોર અનિલ સોલંકી અને ભરૂચના ઓળખીતા રમેશ સોની સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.




